સુરતમાં આવેલું અનોખું સહસ્ત્રલિંગ-કોટિલિંગ મંદિર
શ્રાવણ મહિનો આવે એટલે શિવભક્તોમાં એક નવી આશા, ઉલ્લાસ અને ભક્તિનું જ્વાર ઉઠે છે. ખાસ કરીને ભગવાન શિવના લિંગ રૂપ દર્શન અને અભિષેક માટે શ્રાવણ મહિના દરમિયાન હજારો ભક્તો વિવિધ સ્થળોએ જાય છે. પરંતુ જો તમને એક જ સ્થળે હજારો શિવલિંગ દર્શન અને 12 જ્યોતિર્લિંગ જેવી ભક્તિની અનુભૂતિ મળે તો? સુરતના પાલ વિસ્તારમાં આવેલું એક અનોખું મંદિર હવે ભક્તોની આ ભાવનાને પૂર્ણ કરે છે.
પાલમાં સ્થાપિત સહસ્ત્રલિંગ-કોટિલિંગ મંદિર
સુરતના પાલ વિસ્તારમાં આવેલ મા મેલડી મહાકાળી શક્તિધામ આશ્રમમાં જે વિશિષ્ટ સહસ્ત્રલિંગ-કોટિલિંગ મંદિર સ્થાપિત કરવામાં આવ્યું છે તે હવે ભક્તો માટે એક વિશિષ્ટ આસ્થા કેન્દ્ર બની ગયું છે. અહીં 1011 નર્મદેશ્વર શિવલિંગ અને ટોચે સ્થાપિત સ્ફટિક મણિલિંગની ભવ્ય રચના છે, જે ભક્તોને આધ્યાત્મિક શાંતિ અને શક્તિ બંનેનો સંદેશ આપે છે.
1011 શિવલિંગથી એક સાથે થાય છે સહસ્ત્ર અભિષેક
આ મંદિરની વિશેષતા એ છે કે અહીં સ્થાપિત સહસ્ત્રલિંગમાં એક સાથે 1011 નર્મદાની પવિત્ર પથ્થરોમાંથી બનેલા શિવલિંગ છે. મંદિરના પૂજારી અનુસાર, “એક જ અભિષેકથી ભક્તોનું 1000થી વધુ શિવલિંગ પર જળાર્પણ થતું હોય છે, જે શ્રદ્ધાનું વિજ્ઞાન છે.” તે ઉપરાંત મંદિરના શિખર પર બનેલું સ્ફટિક મણિલિંગ 12 જ્યોતિર્લિંગના દર્શન જેવો પવિત્ર અનુભવ આપે છે.
શાસ્ત્રોનું પ્રમાણ અને ભાવનાનું ભવ્ય મંચ
શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ભગવાન વિષ્ણુએ પણ શિવજીની આરાધના તેમના સહસ્ત્ર નામો સાથે કરી હતી. આ સહસ્ત્રલિંગ મંદિર એ શાસ્ત્રોમાં ઉલ્લેખિત ભક્તિ અને આધ્યાત્મિકતાનું જીવંત રૂપ છે. અહીં આવનાર ભક્તો કહે છે કે એક જ સ્થાને તેમને શિવના તમામ રૂપોમાં ભક્તિ કરવાનો અવસર મળે છે.
નર્મદાની શિવલિંગની પવિત્રતા
નર્મદાના ઘાટ પરથી મેળવાયેલા નર્મદેશ્વર શિવલિંગો કુદરતી રીતે જ શિવલિંગના સ્વરૂપમાં બનેલા હોય છે. તે શાંતિ, સંપત્તિ, સંતાન સુખ અને સૌભાગ્ય લાવે છે, એવી માન્યતા છે. જ્યાં સહસ્ત્રલિંગ અને સ્ફટિક મણિલિંગનો સમન્વય થાય છે, ત્યાં ભક્તોની આસ્થા વધુ મજબૂત બને છે અને તેમને આધ્યાત્મિક ઉર્જાનો અહેસાસ થાય છે.
ભક્તો માટે સુલભ અને અસરકારક ઉપાય
ભારતના અન્ય રાજ્યમાં આવેલા સહસ્ત્રલિંગ મંદિરો જેમ કે કર્ણાટકના શાલમાલા નદીમાં આવેલ મંદિર સુધી પહોંચવું દરેક માટે શક્ય નથી. પરંતુ હવે સુરતના પાલ વિસ્તારમાં સ્થાપિત આ મંદિર ભક્તો એક જ શહેરમાં રહેલા પવિત્ર સ્થાન પર જઈ શકે છે અને શ્રાવણ માસમાં શિવ આરાધનાનું પુણ્ય મેળવી શકે છે.