પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના બજારમાં ભયાનક બોમ્બ ધડાકો: 9 લોકોના મોત, આસિમ મુનીર અને શહબાઝ સરકાર સામે નવો પડકાર
પાકિસ્તાનનો ઉત્તર-પશ્ચિમ પ્રાંત ખૈબર પખ્તુનખ્વા ફરી એકવાર લોહીલુહાણ થયો છે. મંગળવારે (12 મે, 2026) લકી મારવત જિલ્લાના એક ધમધમતા બજારમાં થયેલા ભીષણ બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 9 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ હુમલાએ પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ આસિમ મુનીર અને વડાપ્રધાન શહબાઝ શરીફની સુરક્ષા વ્યવસ્થાના દાવાઓની પોલ ખોલી નાખી છે.
ભીડભાડવાળા બજારમાં રિક્ષા દ્વારા વિસ્ફોટ
સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, આ આત્મઘાતી હુમલો હોવાનું જણાય છે. વિસ્ફોટકોથી ભરેલી એક લોડર રિક્ષાને બજારના વ્યસ્ત વિસ્તારમાં ફૂંકી મારવામાં આવી હતી. જે સમયે ધડાકો થયો ત્યારે બજારમાં લોકોની ભારે ભીડ હતી. મૃતકોમાં બે ટ્રાફિક પોલીસ જવાનોનો પણ સમાવેશ થાય છે, જેઓ ત્યાં ફરજ પર તૈનાત હતા.
વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે આસપાસની દુકાનો અને વાહનોને ભારે નુકસાન થયું હતું. રાહત અને બચાવ કામગીરી માટે 1122ની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને નજીકની નૌરંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, 23 લોકો ગંભીર રીતે ઘાયલ છે, જેમાંથી અનેકની હાલત અત્યંત નાજુક હોવાથી મૃત્યુઆંક વધવાની પૂરી આશંકા છે.
લોકોમાં રોષ અને રક્તદાન માટે ઉમટેલી ભીડ
આ ઘટના બાદ સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધડાકાના તુરંત બાદ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોને મદદ કરવા તેમજ રક્તદાન કરવા માટે લાંબી કતારો લગાવી હતી. બીજી તરફ, પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને પુરાવા એકત્રિત કરવાની કામગીરી હાથ ધરી છે. હજુ સુધી કોઈ પણ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી, પરંતુ શંકાની સોય ટીટીપી (TTP) તરફ છે.
બન્નુ હુમલા બાદ અફઘાનિસ્તાન સાથે તણાવ વધ્યો
આ વિસ્ફોટ એવા સમયે થયો છે જ્યારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે આતંકવાદના મુદ્દે ભારે તણાવ ચાલી રહ્યો છે. માત્ર એક દિવસ પહેલા જ એટલે કે 11 મેના રોજ, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે અફઘાનિસ્તાનના રાજદૂતને તેડું મોકલ્યું હતું. શનિવારે રાત્રે બન્નુ જિલ્લાના ફતેહ ખેલ પોલીસ ચોકી પર થયેલા કાર બોમ્બ બ્લાસ્ટમાં 15 પોલીસકર્મીઓ શહીદ થયા હતા.
પાકિસ્તાનનો દાવો છે કે આ હુમલાનું કાવતરું અફઘાનિસ્તાનની ધરતી પર ઘડવામાં આવ્યું હતું. પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને પુરાવાઓ સૂચવે છે કે અફઘાનિસ્તાનમાં આશરો લઈ રહેલા આતંકવાદીઓ પાકિસ્તાનમાં અસ્થિરતા ફેલાવી રહ્યા છે. પાકિસ્તાને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો અફઘાન તાલિબાન શાસન આ આતંકવાદીઓ પર રોક નહીં લગાવે, તો પાકિસ્તાન તેમની વિરુદ્ધ સીધી કાર્યવાહી કરવાનો અધિકાર અનામત રાખે છે.
આસિમ મુનીર માટે મુશ્કેલ સમય
પાકિસ્તાની સેના અત્યારે આંતરિક રાજકીય ખેંચતાણ અને આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે, ત્યારે ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાનમાં સતત થતા હુમલાઓએ સેનાના મનોબળ પર સવાલો ઉભા કર્યા છે. જનરલ આસિમ મુનીર માટે આતંકવાદને કાબૂમાં લેવો એ સૌથી મોટો પડકાર બની ગયો છે. સરહદ પારથી થતી ઘૂસણખોરી અને સ્થાનિક સ્તરે વધતા અસંતોષને કારણે પાકિસ્તાન અત્યારે સુરક્ષાના મોરચે નબળું પડી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે.

