આસામ સરકાર રાજ્યમાં લગ્ન માટે નવો કાયદો લાવી રહી છે, જેમાં દુલ્હન અને વરરાજાએ તેમના ધર્મ તેમજ આવક, વ્યવસાય વિશે જાણકારી આપવી પડશે. લવ જેહાદની ઘટનાઓને પહોંચી વળવા માટે કેટલાક રાજ્યોમાં આ સંબંધમાં લાવવામાં આવેલા કાયદા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે, પ્રસ્તાવિત નવા લગ્ન કાયદા હેઠળ, લગ્ન કરવા ઇચ્છતા તમામ યુગલોએ એક મહિના અગાઉ ધર્મ સહિત કેટલીક વિગતો જાહેર કરવી પડશે. મહિલાઓને સશક્ત બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુવાહાટીમાં મીડિયા સાથે વાતચીત કરતા આસામના નાણામંત્રી હિમંત બિસ્વાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના લાગુ કાયદા જેવી નહીં હોય. રાજ્યમાં લાગુ પડતા નવા લગ્ન કાયદાનો મૂળભૂત રીતે મહિલાઓને ધ્યાનમાં રાખીને અમલ કરવામાં આવશે. જોકે, મંત્રીએ કહ્યું હતું કે, યુપી અને મધ્યપ્રદેશમાં લાગુ પડતા કાયદામાં એક વસ્તુનો સમાવેશ થશે જેમાં દુલ્હન અને વરરાજાએ પોતાનો ધર્મ જાહેર કરવો પડશે. કોઈ પોતાનો ધર્મ સોશિયલ મીડિયા પર છુપાવી શકે નહીં, એમ મંત્રીએ જણાવ્યું હતું. આ કાયદો પતિ-પત્ની વચ્ચે પારદર્શકતા લાવશે.
મીડિયા સાથે વાત કરતા મંત્રીએ કહ્યું કે આ બહુ મોટો વિષય છે, પરંતુ હું આ લવ જેહાદ નહીં કહું. તેમણે કહ્યું, “હું માનું છું કે કોઈએ એવા લગ્ન જીવનમાં પ્રવેશ ન કરવો જોઈએ જ્યાં પતિ-પત્ની વચ્ચે પારદર્શકતા ન હોય. લગ્નજીવનમાં તેને જાહેર કરવી ખૂબ જ જરૂરી છે.
તેમણે કહ્યું, “મારે તમને માત્ર મારા ધર્મ વિશે જ નહીં, પરંતુ મારી આવક અને મારા કુટુંબના સભ્યો વિશે પણ જણાવવું જોઈએ.” તેમણે કહ્યું કે ઘણી વાર આપણે જોઈએ છીએ કે જ્યારે કોઈ છોકરી લગ્ન કરે છે ત્યારે તેને ખ્યાલ આવે છે કે તેનો પતિ કેટલાક ખોટા કાર્યોમાં સંડોવાયેલો છે. ભલે તે એક જ ધર્મ સાથે લગ્ન કરે.