વેપારીઓની માંગણી પર ગ્રાહક મંત્રાલયે ૩ મહિના સમય લંબાવવાનો પ્રસ્તાવ નાણા મંત્રાલયને મોકલ્યોઃ નાણા મંત્રાલયની મંજુરી બાદ થશે એલાનઃ ડબ્બાબંધ વસ્તુઓ પર સંશોધિત એમઆરપી લખવાની પરવાનગીમાં છુટ આપવાનો અધિકાર ગ્રાહક મંત્રાલય પાસે છે
નવી દિલ્હી તા.ર૯ : જીએસટી સાથે જોડાયેલી મુશ્કેલીઓને જોતા સરકાર કંપનીઓને જુનો માલ વેચવા માટે ત્રણ મહિનાની વધુ મુદત આપવાની તૈયારી કરી રહી છે. આનાથી કંપનીઓ, નિકાસકારો અને દુકાનદાર જીએસટી લાગુ થયા પહેલા બનેલા સામાન પર નવા દરનું સ્ટીકર લગાવી ૩૧ ડિસેમ્બર સુધી સામાન વેચી શકશે.
૧લી જુલાઇથી જીએસટી લાગુ થયા બાદ જુનો માલ વેચવાની છુટ ૩૦ સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઇ રહી છે. ગ્રાહક મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ છે કે તમામ રાજયોના તંત્રએ તારીખ વધારવા માટે વિનંતી કરી છે. તેમણે કહ્યુ છે કે બજારમાં હજુ પણ મોટી સંખ્યામાં જીએસટીથી પહેલા તૈયાર થયેલો માલસામાન ઉપલબ્ધ છે એવામાં ૧લી જુલાઇથી પહેલા બનેલા સામાન પર પ્રકાશિત મહત્તમ રિટેઇલ પ્રાઇસની સાથે સંશોધિત મુલ્ય લખવાની પરવાનગી પણ વધારે જરૂરી છે.
જો ગ્રાહક મંત્રાલય સંશોધિત મુલ્ય લખીને સામાન વેચવાની પરવાનગી ન આપે તો સંશોધિત નિયમો અનુસાર ૧લી ઓકટોબરથી જીએસટી લાગુ થવાના પહેલા બનેલો સામાન જપ્ત કરવાની પણ જોગવાઇ છે.
એક અધિકારીએ કહ્યુ છે કે ગ્રાહક મંત્રાલયને ડબ્બાબંધ વસ્તુઓ પર સંશોધીત એમઆરપી લખવાની પરવાનગીમાં છુટ આપવાનો અધિકાર છે. આ વિષય જીએસટી સાથે જોડાયેલો છે તેથી નિર્ણયની માહિતી નાણા મંત્રાલયને મોકલવામાં આવી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે નાણા મંત્રાલય તરફથી પરવાનગી મળતા જ તેનુ સત્તાવાર રીતે એલાન થઇ શકે છે. મંત્રાલય આજે કે કાલે જાહેરાત કરશે.
દરમિયાન જીએસટી બાદ માત્ર થોડી જ ચીજોના ભાવો ઘટયા છે. કેન્દ્ર સરકારનો પ્રયાસ છે કે, જે વસ્તુઓના ભાવ ઘટયા છે કંપનીઓ તેનો લાભ ગ્રાહકોને આપે.
અત્રે એ નોંધનીય છે કે, ભાવ વધારવા પર ઓછામાં ઓછા બે અખબારોમાં જાહેરાત આપવી જરૂરી છે. ૧ર૩ કંપનીઓએ ભાવ વધારવાની જાહેરાત અખબારમાં કરી છે. ટેકસ ઘટયા બાદ ૩૦ કંપનીઓએ એમઆરપી સંશોધિત કરી ભાવો ઘટાડયા છે. ૩પ૦ કંપનીઓએ સામાન પર વધેલા ભાવ લખ્યા (જીએસટી બાદ). અત્યાર સુધીમાં ગ્રાહક મંત્રાલયને પ૦૦ જેટલી ફરિયાદો મળી છે