ઓસ્ટ્રેલિયન સ્ટાર્સ BBL છોડશે? અફવાઓ પર પેટ કમિન્સે ફેંકી ‘બાઉન્સર’, સત્ય જણાવ્યું
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ જગતમાં હાલમાં એક મોટા સમાચાર વાયુવેગે ફેલાઈ રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડીઓ પોતાની સ્થાનિક લીગ ‘બિગ બેશ’ (BBL) છોડીને દક્ષિણ આફ્રિકાની ‘SA20’ લીગમાં રમવા માટે જઈ શકે છે. જોકે, ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન પેટ કમિન્સે આ અહેવાલો પર સખત પ્રતિક્રિયા આપી છે અને તેને ‘બનાવટી’ ગણાવ્યા છે.
સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર શાંત રહેતા પેટ કમિન્સે પોતાના ‘X’ (અગાઉનું ટ્વિટર) એકાઉન્ટ પર આ મામલે સ્પષ્ટતા કરી છે. તેમણે એક પ્રખ્યાત ઓસ્ટ્રેલિયન અખબારના પત્રકારને સીધો જવાબ આપતા કહ્યું કે, જે કંઈ પણ લખવામાં આવ્યું છે તેમાં કોઈ સત્ય નથી.
શું હતો વિવાદ?
તાજેતરમાં ઓસ્ટ્રેલિયન મીડિયામાં એવા અહેવાલો પ્રસિદ્ધ થયા હતા કે પેટ કમિન્સના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓનું એક જૂથ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) સામે બળવો કરી રહ્યું છે. અહેવાલમાં દાવો કરાયો હતો કે ખેલાડીઓ બિગ બેશ લીગમાં રમવા માટે અંદાજે 1 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર (આશરે ₹7 કરોડ) ના વાર્ષિક પગારની માંગ કરી રહ્યા છે. જો બોર્ડ આ માંગ પૂરી નહીં કરે, તો ખેલાડીઓ SA20 જેવી આકર્ષક લીગમાં રમવા માટે ‘નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ’ (NOC) માંગવાની ધમકી આપી રહ્યા છે.
આ અહેવાલો ત્યારે આવ્યા છે જ્યારે પેટ કમિન્સ હાલમાં ભારતમાં IPL રમી રહ્યા છે. કમિન્સે આ પાયાવિહોણા દાવાઓને નકારી કાઢતા જણાવ્યું કે, ટીમના ખેલાડીઓ અને બોર્ડ વચ્ચેના સંબંધોને ખરાબ બતાવવાનો આ એક પ્રયાસ છે.
‘ધ હન્ડ્રેડ’ અને કરોડોની ઓફરનો ઇનકાર
માત્ર SA20 જ નહીં, પણ ઇંગ્લેન્ડની ‘ધ હન્ડ્રેડ’ લીગ વિશે પણ અનેક અટકળો વહેતી થઈ હતી. એવું કહેવામાં આવ્યું હતું કે પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડને આ ઉનાળામાં રમવા માટે મોટી રકમની ઓફર કરવામાં આવી હતી. પરંતુ આ ત્રણેય ફાસ્ટ બોલરોએ ઓસ્ટ્રેલિયા માટે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી રમવાનું પસંદ કર્યું અને કરોડોની ઓફર ઠુકરાવી દીધી.
કમિન્સે આ બાબતે પણ સ્પષ્ટતા કરી છે કે આવી કોઈ ‘મોટી ઓફર’ તેમને સત્તાવાર રીતે ક્યારેય મળી જ નહોતી. જોકે, તેમણે સ્વીકાર્યું હતું કે આધુનિક ક્રિકેટમાં ખેલાડીઓ માટે દેશ અને ફ્રેન્ચાઇઝી વચ્ચે પસંદગી કરવી એ એક મોટો પડકાર બની રહ્યો છે.
ક્રિકેટ અને પૈસા: એક ગંભીર ચર્ચા
પેટ કમિન્સે તાજેતરમાં એક પોડકાસ્ટમાં ક્રિકેટના આર્થિક પાસાઓ પર ખુલીને વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “અત્યારે અમારા ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા માટે રમવાને પ્રાથમિકતા આપે છે, ભલે તેના માટે તેમણે લાખો પાઉન્ડની ઓફર જતી કરવી પડે. પરંતુ આપણે એવું માની ન લેવું જોઈએ કે આ સ્થિતિ કાયમ માટે રહેશે.”
કમિન્સના મતે, જ્યારે ખેલાડીઓને 20 દિવસના કામ માટે વિદેશી લીગમાં 5 લાખ પાઉન્ડ મળતા હોય, ત્યારે તેમને ટેસ્ટ ક્રિકેટ માટે રોકી રાખવા એ બોર્ડ માટે ભવિષ્યમાં તણાવનો મુદ્દો બની શકે છે. આ નિવેદન દર્શાવે છે કે કમિન્સ ખેલાડીઓના આર્થિક ભવિષ્ય પ્રત્યે સજાગ છે, પરંતુ તેઓ કોઈ ‘બ્લેકમેલિંગ’ કે ‘ધમકી’ ની રાજનીતિમાં માનતા નથી.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની રણનીતિ
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) અત્યારે બેવડા દબાણ હેઠળ છે. એક તરફ દુનિયાભરમાં ફ્રેન્ચાઇઝી લીગનો વ્યાપ વધી રહ્યો છે, અને બીજી તરફ બોર્ડે પોતાના સ્ટાર ખેલાડીઓને સાચવી રાખવાના છે. CA ના હેડ ઓફ ક્રિકેટ જેમ્સ ઓલસોપે જણાવ્યું હતું કે, “અમારી પ્રાથમિકતા એવા ખેલાડીઓને સાચવવાની છે જે ત્રણેય ફોર્મેટ રમે છે. જો તેઓ ફ્રેન્ચાઇઝી સર્કિટમાં જતા રહેશે, તો તે ઓસ્ટ્રેલિયન ક્રિકેટના હિતમાં નહીં હોય.”

