મુંબઈ : હિન્દી અને મરાઠી ફિલ્મોની સાથે સાથે પ્રખ્યાત થિયેટર અભિનેતા રવિ પટવર્ધનને રવિવારે કાર્ડિયાક અરેસ્ટને કારણે 84 વર્ષની વયે અવસાન થયું હતું. રવિ પટવર્ધન લાંબા સમયથી હૃદયરોગની બીમારીથી પીડિત હતા. શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે તેમને શનિવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ તેમની સ્થિતિ સુધરી ન હતી અને રવિવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
વિલનની ભૂમિકામાં પ્રખ્યાત
1970 માં કારકિર્દીની શરૂઆત કરનાર રવિ પટવર્ધન, 200 થી વધુ ફિલ્મો, ટીવી શો અને નાટકોમાં વિવિધ ભૂમિકાઓ ભજવી ચુક્યા છે. જો કે, તે વિલન તરીકે વધુ પ્રખ્યાત બન્યા હતા. તેમની લોકપ્રિય હિન્દી ફિલ્મોમાં ‘તેજાબ’ છે. આ ફિલ્મમાં અનિલ કપૂર અને માધુરી દીક્ષિત મુખ્ય ભૂમિકામાં હતા. રવિ પટવર્ધને ઝાંઝર, બંધન અને યશવંત જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.
ઉદ્યોગમાં શોકનું વાતાવરણ
તેમના મૃત્યુના સમાચારથી હિન્દી અને મરાઠી ઉદ્યોગમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પટવર્ધનના ટીવી શો અગરબાઈ સાસુબાઇના નિર્માતા સુનિલ ભોંસલેએ તેમના મોતની પુષ્ટિ કરી છે. તેણે કહ્યું, ‘મેં તેની સાથે પંદર દિવસ અગાઉ વાત કરી હતી કારણ કે અમારે અમારા શો માટે શૂટિંગ શરૂ કરવાનું હતું. કોવિડ -19 પ્રતિબંધોને લીધે, અમે વાર્તામાં એવી રીતે કેટલાક ફેરફાર કર્યા કે તે ઘરેથી શૂટિંગ કરી શકે. સુનિલે જણાવ્યું હતું કે, રવિ પટવર્ધન અંત સુધી શૂટિંગ કરતો હતો. પરંતુ વૃદ્ધાવસ્થામાં આરોગ્ય સંબંધિત સમસ્યાઓના કારણે તેમનું અવસાન થયું. તેને ફેબ્રુઆરીમાં પણ હાર્ટ એટેક આવ્યો હતો પરંતુ તેઓ ત્યારે સ્વસ્થ થઈ ગયા હતા. “