સોમનાથથી અયોધ્યા સુધી લાલકૃષ્ણ અડવાણીએ રામ રથ યાત્રા શરુ કરી હતી. 6 ડિસેમ્બર 1992ના દિવસે અયોધ્યામાં કાર સેવા કરવામાં આવી. બાબરી મસ્જિદ ધ્વંશની ઘટના બની. દેશભરમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા. ગુજરાતમાં તેની વ્યાપક અને ભયાવહ અસર થઈ હતી. ચારેકોર રોક્કળ અને આંતર્નાદ સાંભળવા મળી રહ્યા હતા. મારો-કાપોની ખૂની વણઝાર લાગી હતી.
કેન્દ્રમાં નરસિંહ રાવ સરકાર હતી. ગુજરાતમાં કોંગ્રેસના ટેકાવાળી જનતાદળ(ગુજરાત)ની સરકાર હતી. અડવાણીની ધરપકડ થતાં ભાજપે આપેલો ટેકો પાછી ખેંચી લીધો તો ચીમન પટેલની સરકારને કોંગ્રેસે ટેકો આપી જીવંતદાન આપ્યું હતું. બાબરી ધ્વંશ દેશના રાજકારણને ઘરમૂળથી બદલી નાંખવાનું કામ કર્યું.
દેશભરમાં રાજકીય ચિચિયારીઓ સંભળાઈ રહી હતી પણ આ બધામાં કોંગ્રેસના ચાણક્ય એવાં અહેમદ પટેલ જાહેરમાં ખામોશ થઈ ગયા હતા. જાણકારો કહે છે કે અહેમદ પટેલ રાજકીય રીતે બેભાન અવસ્થામાં પહોંચી ગયા હતા. અહેમદ પટેલ જેવા કોંગ્રેસના દિગ્ગજ નેતા બાબરી ધ્વંશ વેળા રાજકીય રીતે બેભાન અવસ્થામાં આવી ગયા હતા તેની પાછળના કારણો જાણકારો જણાવી રહ્યા છે. જાણકારો કહે છે કે અહેમદ પટેલ કોંગ્રેસનાં કોષાધ્યક્ષ હતા પણ તેઓ વાદ-વિવાદથી દુર જ રહેતા હતા. બને ત્યાં સુધી અતિ ગંભીર અને સંવેદનશીલ મુદ્દાઓ પર જાહેરમાં ટીપ્પણી અને નિવેદનબાજીથી અલિપ્ત જ રહેતા આવ્યા હતા. બાબરી ધ્વંશ ટાણે પણ તેમનો આ રુખ શરુઆતમાં જોવા મળ્યો હતો પણ બાદમાં તેમણે આખીય ઘટનાને વખોડી હતી.
અહેમદ પટેલ હિન્દુ-મુસ્લિમ પોલિટીક્સમાં માનતા ન હતા તેઓ પ્યોરલી કોંગ્રેસની વિચારધારાના પોલિટીક્સમાં માનતા હતા. દરેકને સમદૃષ્ટિકોણથી જોનારા નેતા હતા. તેમની પાસે આવતા લોકોમાં મુસ્લિમો કરતા ઈતર કોમના લોકો વધુ હતા. આમ પણ અહેમદ પટેલ મુસ્લિમ નેતા ગણાયા નહીં તેઓ પોતાને સેક્યુલર નેતા તરીકે જ પ્રસ્થાપિત કરતા રહ્યા.
મુસ્લિમ કટ્ટરવાદી રાજનીતિ હોય કે હિન્દુ કટ્ટરવાદી રાજનીતિ, અહેમદ પટેલે કદી પણ ધર્મ આધારિત રાજનીતિને યોગ્ય ગણાવી ન હતી તો અયોગ્ય પણ ગણાવી ન હતી.
જ્યારે બાબરી મસ્દિજ ધ્વંશ થઈ ત્યારે અહેમદ પટેલે પોતાની જાતને રાજકીય રીતે કેટલાક અંશે સંકોરી લીધી હતી. પ્રથમ તો તેઓ જાણતા હતા કે દેશભરમાં પ્રચંડ હિન્દુત્વનું મોજું ઉભું થઈ ચૂક્યું છે. આવી સ્થિતિમાં ગમે તેટલા સેક્યુલર બનવાની કોશીશ કરાશે તો પણ એક મુસ્લિમ નેતા તરીકે ક્યાંકને ક્યાંક તેમના નામે રાજકારણ રમાશે અને આના કારણે કોંગ્રેસને મોટું નુકશાન સહન કરવાનો આવી શકે તેમ હતો. અહેમદ પટેલે પોતાની જાતને એક સલામત દાયરા સુધી સીમીત કરી દીધી હતી. પોતાનું નામ ઉછાળીને અપપ્રચાર થવાની ભીંતી તેમને હરહંમેશ કોરી ખાતી હતી. તેઓ સ્પષ્ટપણે માનતા હતા કે કટ્ટરવાદી લોકો તેમના વિરુદ્વ મોરચો ખોલી શકે છે અને કોઈ પણ મોકો છોડશે નહીં. વાસ્તે અહેમદ પટેલ બાબરી મસ્જિદ ડિમોલીશનથી લઈ કોમી રમખાણો અને ત્યાર બાદની સ્થિતિમાં ફ્રન્ટફૂટ પર તો શું બેકફૂટ પર પણ દેખાયા નહી.
નરસિંહ રાવ સરકાર હતી તો ગુજરાતમાં સ્થિતિને કાબૂમાં લેવા માટે સેનાને મોકલી, કોમી રમખાણગ્રસ્તો માટે આર્થિક સહાયથી લઈને અન્ય મદદ કરવામાં આગળ જરુરથી આવ્યા પણ રાજકીય રીતે તેમણે પોતાની જાતને એક સિક્યોર બીબામાં ઢાળી દીધી હતી.
પરિણામ એ આવ્યું કે અહેમદ પટેલ તે વખતે વિપક્ષના નિશાના પર આવ્યા નહી અને પોતાની જાતને પોલિટીકલ સિક્યોર ટ્રેઝરીમાં મૂકીને શાંત ચિત્તે કોંગ્રેસનું કામ કરતા રહ્યા. નરિસંહ રાવ સરકાર પહેલેથી ટેલિકોમ સહિતના અન્ય કૌભાંડોમાં વગોવાઈ ચૂકી હતી.
અહેમદ પટેલે હિન્દુત્વના પ્રચંડ મોજા વચ્ચે પણ કોંગ્રેસને ધબકતી રાખવા માટે ધૈર્ય સાથે લાગલગાટ કામ કર્યું. કટ્ટરવાદી નેતાઓના નિશાને આવતા બચી ગયા પણ હિન્દુત્વની સામે અહેમદ પટેલ ઝીંક ઝીલી શક્યા નહી અને 1995માં કોંગ્રેસનો ભૂંડો પરાજ્ય થયો. લોકસભાની ચૂંટણીમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો. વાજપેયીએ ભાજપના પ્રથમ વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા અને 11 દિવસમાં સરકાર પડી ભાંગી પણ બીજી વખત ચૂંટણીમાં ભાજપનો વિજય થયો અને વાજપેયી ફરીથી વડાપ્રધાન બન્યા. પણ અહેમદ પટેલ સખણા બેસી નહીં રહ્યા અને તેમણે ફરી એક વાર કોંગ્રેસને બેઠી કરવાની ગાંઠ વાળી.