ખેડૂતોએ સરકાર સામે ઊભા કર્યા તાકાલિક પ્રશ્નો
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હોવા છતાં સીપુ ડેમમાં માત્ર 11% જ પાણી ભરાયું છે. જેના કારણે ડેમ પર આધારિત ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. સરકાર અને સ્થાનિક પ્રશાસન પર સતત પ્રશ્નો ઉઠી રહ્યા છે કે આટલો સારો વરસાદ છતાં ડેમ સુક્કો કેમ રહ્યો?
ખેતી માટે ડેમ પર આશ્રિત છે પૂર્વ બનાસકાંઠા
બનાસકાંઠા મુખ્યત્વે ખેતી અને પશુપાલન આધારિત જિલ્લો છે. પશ્ચિમ વિસ્તારમાં કેનાલ સિસ્ટમ હોવાને કારણે પાણી ઉપલબ્ધ થાય છે, પરંતુ પૂર્વ ભાગના ખેડૂતો માત્ર સીપુ ડેમના પાણી પર નિર્ભર છે. આ ડેમ અહીંના ખેડૂતો માટે જીવનરેખા સમાન ગણાય છે.
રાજસ્થાનના ડેમોએ બનાવ્યું અવરોધ
ડેમના અધિકારીઓ અનુસાર, ઉપરવાસ એટલે કે રાજસ્થાનમાં પૂરતો વરસાદ થયો હોવા છતાં ત્યાં નવા ડેમો બનાવી દેવામાં આવ્યા છે. જેના કારણે વરસાદી પાણી સીપુ ડેમ સુધી આવી શકતું નથી. પરિણામે ધાનેરા અને પાંથાવાડા વિસ્તારમાં ખેતી મુશ્કેલ બની છે.
513 mm વરસાદ છતાં માત્ર 11% જળસંગ્રહ
આ વર્ષે બનાસકાંઠામાં સરેરાશ 513 mm વરસાદ નોંધાયો છે, પરંતુ સીપુ ડેમમાં જળસંચય માત્ર 176.95 મીટર જ રહ્યો છે. એટલે કે કુલ જળસંપત્તિમાંથી માત્ર 11% પાણી જ સંગ્રહ થયેલું છે.
સરકારે દાંતીવાડા ડેમથી પાઈપલાઈનથી પાણી આપવું જોઈએ: ખેડૂતોની માંગ
ખેતી માટે રઝળપાટ કરી રહેલા ખેડૂતોની માગ છે કે સરકાર દાંતીવાડા ડેમમાંથી કેનાલ કે પાઈપલાઇન દ્વારા સીપુ ડેમ સુધી પાણી પહોંચાડે. જેથી આ ક્ષેત્રના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળે અને તેઓનો જીવન વ્યવહાર બચી શકે.