નવી દિલ્હી : ભારતીય મહિલા ફૂટબોલર બાલા દેવી ઇતિહાસ રચવામાં સફળ રહી છે. બાલા દેવી પ્રોફેશનલ ફૂટબોલ લીગમાં ગોલ નોંધાવનારી પ્રથમ ભારતીય મહિલા ફૂટબોલર બની છે. રેન્જર્સ એફસી તરફથી રમતા, બાલા દેવીએ તેની કારકિર્દીનો પહેલો ગોલ ફુટબોલ લીગ ઓફ યુરોપમાં મધરવેલ એફસી સામે કર્યો.
બાલા દેવીનો આ ગોલ મેચની 85 મી મિનિટમાં આવ્યો હતો. બાલા દેવીએ ઝડપથી બોલનો કબજો મેળવ્યો અને વિરોધી ટીમના ગોલકિપરને ભટકાવી ગોળ કરી સ્કોર શીટમાં પોતાનું નામ લખાવ્યું. આ મેચમાં, રેન્જર્સ એફસીએ મધરવેલ એફસીને 9-0ના અંતરે હરાવી હતી.
પહેલા પણ રચી ચુકી છે ઇતિહાસ
આ વર્ષની શરૂઆતમાં, બાલા દેવી વ્યાવસાયિક કરાર મેળવનારી પ્રથમ ભારતીય મહિલા ફૂટબોલર બની હતી. બાલા દેવીએ રેન્જર્સ સાથે 18 મહિનાનો કરાર કર્યો છે.
2005 માં, બાલા દેવીએ અંડર 17 ટીમ સાથે ભારતીય મહિલા ફૂટબોલમાં પ્રવેશ કર્યો. ત્યારબાદ તે 2006 માં અંડર 19 ટીમમાં રમી હતી. બાલા દેવી 2008 થી ભારતીય વરિષ્ઠ મહિલા ટીમનો ભાગ છે. ભારતીય મહિલા ટીમ માટે 58 મેચ રમીને બાલા દેવીએ અત્યાર સુધીમાં 52 ગોલ કર્યા છે.
https://twitter.com/RangersWFC/status/1335668649382830090
ગયા વર્ષે કરી કમાલ
વર્ષ 2019 માં પણ બાલા દેવીની ખૂબ ચર્ચા થઈ હતી. ઈન્ડિયન મહિલા લીગમાં મણિપુર પોલીસ તરફથી રમતા બાલા દેવીએ માત્ર સાત મેચમાં 26 ગોલ કર્યા હતા. બાલા દેવીને એક મહાન સીઝન પછી જ સ્કોટલેન્ડમાં રમવાનો મોકો મળ્યો. 2014 માં, બાલા દેવીને એઆઇએફએફ વુમન પ્લેયર ઓફ ધ યરનો ખિતાબ પણ મળ્યો હતો.