શું ખેડૂતોએ કરવી પડશે પિયતની તૈયારી?
ગુજરાતમાં ચોમાસા દરમ્યાન હવે વરસાદના દિવસોમાં વિરામ આવી શકે છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી જણાવે છે કે, બંગાળની ખાડી અને અરબ સાગરમાં હાલ કોઈ મજબૂત સિસ્ટમ વિકસતી નથી, જેના કારણે ભારે વરસાદની શક્યતા ઓછી છે.
રાજ્યના ઘણા વિસ્તારોમાં હજુ સુધી ઓછો વરસાદ, ક્યાંય માત્ર 15% સુધી
ગોસ્વામીએ જણાવ્યું કે, જૂન અને જુલાઈમાં મળીને ગુજરાતમાં માત્ર 57% સરેરાશ વરસાદ થયો છે. કેટલાક વિસ્તારોમાં 10 થી 15% જેટલો ઓછો વરસાદ નોંધાયો છે, જ્યારે કેટલાક વિસ્તારમાં 80 થી 85% જેટલો વરસી ચૂક્યો છે.
1 થી 10 ઓગસ્ટ સુધી હળવા ઝાપટાં, ખેતી માટે પૂરતો વરસાદ નહીં
આગાહી પ્રમાણે, 1 થી 10 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની સંભાવના નથી. રાજ્યના કેટલાક વિસ્તારમાં હળવા ઝાપટાં પડશે, પણ મોટાભાગે ખેડૂતોએ ચોમાસા પાકને બચાવવા માટે પિયત વ્યવસ્થા રાખવી જરૂરી છે.
બંગાળની ખાડી અને અરબ સાગરમાં હજી સુધી કોઈ મોટું સિસ્ટમ દેખાતું નથી
પરેશ ગોસ્વામીના મતે, બંગાળની ખાડીમાં નબળી સિસ્ટમ બનવાની સંભાવના છે જે ઉત્તર ભારત માટે લાભદાયી હશે. જ્યારે અરબ સાગરમાં પણ કોઈ ખાસ હવામાન પરિવર્તન જોવા મળતું નથી.
કચ્છ-સૌરાષ્ટ્રમાં પવનનો ઝોક રહેશે, પણ વરસાદ નહીં
દરીયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ 15 થી 20 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. પવન સાથે વાદળછાયું વાતાવરણ રહેશે, પણ આ વાદળો વરસાદ લાવવાની ક્ષમતા ધરાવતું નથી.
17 ઓગસ્ટ સુધી વરસાદ વગરના દિવસો
આજથી રાજ્યના ઘણા વિસ્તારોમાં પવન ફૂંકાવાની શરૂઆત થશે, જે 17 ઓગસ્ટ સુધી યથાવત રહેશે. એટલે કે આગામી દિવસોમાં વરસાદ વિહોણું વાતાવરણ જળવાશે.
હવામાન વિભાગની આગાહી: ભારે વરસાદની ચેતવણી નહીં, માત્ર હળવા ઝાપટાં
હવામાન વિભાગ અનુસાર, 1 ઓગસ્ટે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવો થી મધ્યમ વરસાદ થઈ શકે છે. 2 થી 5 ઓગસ્ટ દરમિયાન વરસાદની પ્રવૃત્તિમાં ઘટાડો થશે. 6 અને 7 ઓગસ્ટથી હળવી વરસાદી પ્રવૃત્તિ ફરી શરૂ થવાની સંભાવના છે.