મુંબઇ: રશિયન વર્ચસ્વનો અંત લાવીને ચેસની દુનિયામાં પોતાની આગવી ઓળખ સ્થાપિત કરનારા વિશ્વનાથન આનંદના જીવન પર હવે બાયોપિક ફિલ્મ બનાવવામાં આવશે.
માહિતી પ્રમાણે, વિશ્વનાથન આનંદ પર બનેલી આ ફિલ્મ, બોલિવૂડના જાણીતા નિર્દેશક આનંદ એલ. રાય દિગ્દર્શન કરશે અને નિર્માણ કરશે. આનંદ એલ. રાય અગાઉ રંજના, તનુ વેડ્સ મનુ, તનુ વેડ્સ મનુ રિટર્ન્સ, ઝીરો જેવી ફિલ્મો બનાવી ચૂક્યો છે. આ ઉપરાંત આનંદ એલ. રાયે મુક્કાબાઝ નામની સ્પોર્ટ્સ ફિલ્મ પણ બનાવી હતી, જેનું નિર્દેશન અનુરાગ કશ્યપે કર્યું હતું.
મળતી માહિતી પ્રમાણે, ત્રણ દાયકા લાંબી કારકિર્દીમાં 5 વખત વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર ભારતના પ્રથમ ચેસ ગ્રાન્ડમાસ્ટર વિશ્વનાથન આનંદને આ પહેલા પણ તેમના જીવન પર ફિલ્મ બનાવવાની ઘણી ઓફર્સ મળી હતી, પરંતુ તેણે આ ફિલ્મને મંજૂરી આપી દીધી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, વિશ્વનાથન આનંદ અને ફિલ્મ નિર્માતા વચ્ચે તમામ વાટાઘાટો થઈ છે અને આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે શરૂ થશે.
મોટા પડદા પર વિશ્વનાથન આનંદનું પાત્ર કોણ ભજવશે?
ઉલ્લેખનીય છે કે, વિશ્વનાથન આનંદ, જે આક્રમક શૈલીમાં ચેસ રમવા માટે પ્રખ્યાત હતા અને વિશ્વભરની અનેક જનરેશનને આકર્ષિત કરી ચૂક્યા છે, તેણે ગઈકાલે એટલે કે શુક્રવારે પોતાનો 51 મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેની તરફથી પણ આ ફિલ્મ અંગે કોઈ પ્રતિક્રિયા મળી નથી. રાય દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી.