નોટબંધી બાદ થાપણોમાં તોતિંગ ઉછાળો
અમદાવાદ : ગુજરાતની સહકારી બેંકોમાં નોટબંધી બાદ થાપણોમાં તોતિંગ ઉછાળો જોવા મળ્યો છે. થાપણોનો કુલ આંકડો રૃ.૫૦,૦૦૦ કરોડને પાર નીકળી ગયો છે. સૂત્રોનું કહેવું છે કે નોટબંધી બાદ જૂની નોટો બેંકોમાં જમા કરવાની હોડમાં સહકારી બેંકોમાં જે થાપણો મૂકવામાં આવી હતી તેના પરિણામે આ જબ્બર ઉછાળો જોવા મળ્યો છે.
પ્રકાશિત થયેલા અહેવાલમાં એક અખબારને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે રાજ્યની ૨૨૦ સહકારી બેંકોમાં માર્ચ ૨૦૧૭ સુધીમાં જમા થયેલી ડિપોઝિટની રકમ રૃ.૫૦,૭૧૫ કરોડ પહોંચી જવા પામી છે. ગુજરાત અર્બન કો-ઓપરેટિવ બેંક ફેડરેશનના ચેરમેને અહેવાલમાં જણાવ્યું હતું કે પહેલીવાર ડિપોઝિટનો આંકડો રૃ.૫૦,૦૦૦ કરોડને પાર પહોંચી ગયો છે. ગત નાણાકીય વર્ષમાં ડિપોઝિટનો આંકડો રૃ. ૪૦,૧૮૩ કરોડ હતો, જેમાં ૨૬ ટકાનો ધરખમ ઉછાળો આવ્યો છે અને થાપણો રૃ.૫૦,૦૦૦ કરોડને પાર પહોંચી ગઈ છે.
અહેવાલમાં જણાવ્યા મુજબ નોટબંધીના પગલે લોકોએ રૃ.૫૦૦ અને રૃ. ૧૦૦૦ની નોટો જમા કરાવવા માટે પડાપડી કરી હતી. આ રોકડ જમા થવાના પગલે સહકારી બેંકો પાસે તોતિંગ આવક નોંધાઈ છે.