ઉનાળામાં કારની ટાંકી ‘ફુલ’ કરાવવાથી આગ લાગી શકે? જાણો આ ડર પાછળનું સાચું કારણ અને એક્સપર્ટ્સની સલાહ
ઉનાળાની શરૂઆત થતાં જ સોશિયલ મીડિયાથી લઈને સામાન્ય ચર્ચાઓમાં એક મેસેજ ખૂબ વાયરલ થવા લાગે છે – “ઉનાળામાં ક્યારેય કારની પેટ્રોલ કે ડીઝલની ટાંકી આખી (Full) ન ભરાવવી, કારણ કે અતિશય ગરમીને લીધે ટાંકીની અંદર ગેસ બનશે, જેનાથી ટાંકી ફાટી શકે છે અથવા કારમાં આગ લાગી શકે છે.”
આ મેસેજ વાંચીને ઘણા વાહનચાલકો એટલા ડરી જાય છે કે તેઓ ઉનાળાના ચાર મહિના દરમિયાન ક્યારેય ભૂલથી પણ ટાંકી ફુલ નથી કરાવતા અને હંમેશાં અડધી ટાંકી જ ઇંધણ ભરાવીને ગાડી ચલાવે છે. પરંતુ શું આ ડરમાં કોઈ વાસ્તવિક સત્ય છે? શું ખરેખર વિજ્ઞાન અને ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ આ વાતને સ્વીકારે છે? કે પછી આ માત્ર એક અફવા છે? ચાલો આ વિષયના દરેક પાસાને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી અને ઓટો એક્સપર્ટ્સના અભિપ્રાય સાથે સરળ ભાષામાં સમજીએ.
શું ફૂલ ટેન્ક કરાવવાથી ખરેખર ખતરો વધે છે?
આ સવાલનો સીધો અને ટૂંકો જવાબ છે – ના, બિલકુલ નહીં. સામાન્ય રીતે નિયમ મુજબ કારની ટાંકી ફુલ કરાવવાથી કોઈ ખતરો વધતો નથી.
આજકાલની આધુનિક કારો બનાવતી ઓટોમોબાઈલ કંપનીઓ વાહનની સુરક્ષાને લઈને ખૂબ જ કડક માપદંડો અપનાવે છે. કારની ફ્યુઅલ ટેન્ક માત્ર પ્લાસ્ટિક કે લોખંડનો ડબ્બો નથી હોતી, પરંતુ તેને ઉચ્ચ ગુણવત્તાવાળા અને તાપમાન પ્રતિકારક મટીરિયલમાંથી વૈજ્ઞાનિક રીતે ડિઝાઇન કરવામાં આવે છે. દેશની સૌથી મોટી ઓઇલ કંપની ‘ઇન્ડિયન ઓઇલ’ (IOCL) એ પણ અગાઉ સત્તાવાર સ્પષ્ટતા જાહેર કરી છે કે તમામ વાહનોની ટાંકીઓ ગમે તેટલી ગરમી અને પ્રેશર (દબાણ) ને સરળતાથી સહન કરી શકે તે રીતે જ બનાવવામાં આવે છે. તેથી, કંપનીએ નક્કી કરેલી લિમિટ સુધી પેટ્રોલ કે ડીઝલ ભરાવવું ૧૦૦ ટકા સુરક્ષિત છે.
ભીષણ ગરમીમાં પણ પેટ્રોલની ટાંકી કેમ નથી ફાટતી?
આની પાછળનું કારણ સમજવા માટે આપણે પેટ્રોલિયમ પદાર્થોના વિજ્ઞાનને સમજવું પડશે. કોઈપણ ઇંધણમાં આગ લાગવા માટે બે વસ્તુઓની જરૂર હોય છે: યોગ્ય તાપમાન અને એક નાની ચિંગારી (Sparks).
પેટ્રોલ અને ડીઝલનું ‘ઓટો-ઇગ્નિશન ટેમ્પરેચર’ (Auto-ignition Temperature – એટલે કે કોઈપણ ચિંગારી વગર માત્ર ગરમીથી જ આપોઆપ આગ પકડી લેવાનું તાપમાન) ખૂબ જ ઊંચું હોય છે. પેટ્રોલ માટે આ તાપમાન આશરે ૨૪૦ થી ૨૮૦ ડિગ્રી સેલ્સિયસ અને ડીઝલ માટે ૨૫૦ ડિગ્રી સેલ્સિયસથી વધુ હોય છે. ઉનાળામાં ગમે તેટલી કાળઝાળ ગરમી પડે તો પણ વાતાવરણનું તાપમાન ક્યારેય ૪૫ થી ૫૦ ડિગ્રી સેલ્સિયસથી ઉપર નથી જતું. આ તાપમાન પેટ્રોલિયમના ઓટો-ઇગ્નિશન પોઇન્ટ કરતા પાંચ ગણું ઓછું છે. તેથી માત્ર તડકામાં ગાડી ઊભી રાખવાથી કે ટાંકી ફુલ રાખવાથી વિસ્ફોટ થવાની સંભાવના બરાબર છે.
તો પછી એક્સપર્ટ્સ ‘ઓવરફિલિંગ’ (જરૂર કરતાં વધુ ભરવું) કરવાની કેમ ના પાડે છે?
અહીં જ ઘણા લોકો થાપ ખાઈ જાય છે. ‘ટાંકી ફુલ કરાવવી’ અને ‘ટાંકીને ઓવરફિલ કરાવવી’ એ બંનેમાં મોટો તફાવત છે. સામાન્ય રીતે ટાંકી ફુલ કરાવવી સુરક્ષિત છે, પરંતુ ઓટો-કટ (Auto-Cut) થયા પછી પણ ઉપરથી વધારાનું પેટ્રોલ દબાવી દબાવીને ભરાવવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેની પાછળ મુખ્ય બે કારણો છે:
૧. EVAP સિસ્ટમને નુકસાન:
આજકાલની નવી કારોમાં EVAP (Evaporative Emission Control System) નામની એક અદ્યતન સિસ્ટમ હોય છે. આ સિસ્ટમનું કામ પેટ્રોલમાંથી નીકળતી બાષ્પ એટલે કે ગેસ (Fuel Vapor) ને નિયંત્રિત કરવાનું છે. આ ગેસ પર્યાવરણમાં મુક્ત ન થાય અને એન્જિન તેનો યોગ્ય ઉપયોગ કરી શકે તે માટે તેમાં ખાસ ચારકોલ કેનિસ્ટર લગાવેલું હોય છે. જો તમે ઓટો-કટ થયા પછી પણ વધુ પેટ્રોલ ભરાવો છો, તો આ લિક્વિડ પેટ્રોલ ગેસની પાઇપોમાં અને કેનિસ્ટરમાં ઘૂસી જાય છે. આનાથી આખી સિસ્ટમ બ્લોક થઈ શકે છે અને તમારી કારના એન્જિન પર ખરાબ અસર પડે છે.
૨. ગેસના વિસ્તરણ (Expansion) માટે જગ્યા ન મળવી:
ગરમીના દિવસોમાં જ્યારે પેટ્રોલ પંપના ઠંડા અંડરગ્રાઉન્ડ ટેન્કમાંથી પેટ્રોલ બહાર આવીને તમારી કારની ટાંકીમાં જાય છે, ત્યારે ગરમીને કારણે તેનું સહેજ વિસ્તરણ થાય છે, એટલે કે ગેસ બને છે. જો તમે ગળા સુધી (Neck level) પેટ્રોલ ભરી દીધું હશે, તો આ ગેસને બહાર નીકળવા કે વિસ્તરવા માટે જગ્યા નહીં મળે. જો કે, આનાથી ટાંકી ફાટશે તો નહીં, પણ ઇંધણ લીક થવાની કે કારની અંદર પેટ્રોલની અસહ્ય ગંધ આવવાની સમસ્યા ચોક્કસ થઈ શકે છે.
પેટ્રોલ પંપ પર હંમેશાં રાખો આ એક વાતનું ધ્યાન
જ્યારે પણ તમે પેટ્રોલ કે ડીઝલ ભરાવવા જાઓ, ત્યારે મશીનનું નઝલ (પાઇપ) આપોઆપ બંધ થઈ જાય જેને ‘ઓટો-કટ’ કહેવાય છે, ત્યાં સુધી જ ઇંધણ ભરાવો. સામાન્ય રીતે પેટ્રોલ પંપના કર્મચારીઓ રાઉન્ડ ફિગર (જેમ કે ૨૦૨૦ રૂપિયા થયા હોય તો પૂરા ૨૧૦૦ કરવા માટે) ઓટો-કટ પછી પણ ઉપરથી પેટ્રોલ નાખવાનો આગ્રહ રાખે છે. ઉનાળામાં આ પ્રથાથી બચવું જોઈએ. ઓટો-કટ થયા પછી મશીન અટકી જાય એટલે સમજી લેવું કે તમારી કાર માટે આ પૂરતું અને સુરક્ષિત ફુલ ટેન્ક છે.
બહુ ઓછું ફ્યુઅલ રાખીને ગાડી ચલાવવી પણ છે જોખમી!
ઘણા લોકો ટાંકી ફાટવાના ડરથી આખો ઉનાળો માત્ર ૧-૨ લીટર પેટ્રોલ રાખીને જ ગાડી ફેરવે છે. પરંતુ એક્સપર્ટ્સના મતે, ઓવરફિલિંગ જેટલું જ નુકસાનકારક ‘અંડરફિલિંગ’ (ખૂબ ઓછું ઇંધણ રાખવું) પણ છે.
દરેક આધુનિક કારમાં ફ્યુઅલ પંપ (Fuel Pump) પેટ્રોલ ટાંકીની અંદર જ આપેલો હોય છે. આ પંપ સતત કામ કરતો હોવાથી ગરમ થાય છે અને તેને ઠંડો રાખવા માટે ટાંકીમાં પૂરતા પ્રમાણમાં પેટ્રોલ હોવું જરૂરી છે, કારણ કે પેટ્રોલ પોતે જ પંપ માટે કુલન્ટ (ઠંડક આપનારું પ્રવાહી) નું કામ કરે છે. જો તમે હંમેશાં ખાલી ટાંકીમાં ગાડી ચલાવશો, તો ફ્યુઅલ પંપ ઝડપથી ગરમ થઈને બગડી જશે, જેનો ખર્ચ હજારો રૂપિયામાં આવી શકે છે. આ ઉપરાંત, ટાંકીના તળિયે જમા થયેલો કચરો એન્જિન સુધી પહોંચી જવાનો ભય પણ રહે છે. તેથી કારમાં હંમેશાં ઓછામાં ઓછી ૨૫ થી ૩૦ ટકા ટાંકી ભરેલી રાખવી હિતાવહ છે.

