હાલમાં મોટા ભાગનો પાટીદાર સમાજ ભાજપથી નારાજ છે ત્યારે એનો લાભ ઉઠાવવા માટે ઉમેદવારોની પસંદગીમાં પાટીદારોને પ્રાધાન્ય આપવામાં આવે એવું આયોજન
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી ગઈ છે ત્યારે આ ચૂંટણીમાં કૉન્ગ્રેસ એના હાલના તમામ ૪૩ વિધાનસભ્યોને રિપીટ કરશે અને એક પણ વિધાનસભ્યને પડતો નહીં મૂકે એવો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાતમાં ચૂંટણીનાં બ્યુગલ વાગવાનાં શરૂ થઈ ચૂક્યાં છે. વિધાનસભામાં રાજકીય પક્ષોએ એમના ઉમેદવારોની પસંદગી માટે કવાયત શરૂ કરી દીધી છે. વિધાનસભા વિસ્તારોમાં જઈને રાજકીય પક્ષોના નિરીક્ષકોએ કાર્યકરો પાસેથી સેન્સ લીધી છે. કાર્યકરોની લાગણી અને રજૂઆતો હાઈ કમાન્ડ સુધી પહોંચાડવામાં આવી છે.
દિલ્હીમાં હાઈ કમાન્ડ સાથે બેઠક યોજીને ગુજરાત પાછા ફરેલા ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ગઈ કાલે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘ગુજરાતમાં હાલના ૪૩ વિધાનસભ્યો માટે ચિંતાનો વિષય નથી, કારણ કે તેઓ જીતે એવા છે. ઉમેદવારોની પસંદગી માટે કોઈ ક્રાઇટેરિયા નક્કી નથી કરવામાં આવ્યો કે ૭૦ વર્ષથી મોટા કે પછી બે ચૂંટણી હારેલા કે વીસ હજાર મતોથી હારેલા ઉમેદવારો સંદર્ભે કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી.’
ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પહેલાં દિલ્હીમાં રાહુલ ગાંધીની ગુજરાતના આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી. એમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોના સંદર્ભમાં ચર્ચાવિચારણા કરવામાં આવી હતી. ગુજરાતમાં હાલમાં મોટા ભાગનો પાટીદાર સમાજ ગ્થ્ભ્થી નારાજ છે ત્યારે એનો લાભ ઉઠાવવા માટે કૉન્ગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીમાં પાટીદારોને પ્રાધાન્ય આપવામાં આવે એવું આયોજન હાથ ધરાઈ રહ્યું છે.
આ બેઠકમાં એવી પણ ચર્ચા થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રણનીતિના ભાગરૂપે BJPના પાટીદાર ઉમેદવાર સામે કૉન્ગ્રેસ પાટીદાર ઉમેદવાર મેદાનમાં ઉતારશે. કૉન્ગ્રેસ ઓછામાં ઓછા ૪૫થી વધુ પાટીદારોને વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપીને ઉમેદવારી કરાવે એવી રણનીતિ પણ અખત્યાર કરવા માટે ચર્ચાવિચારણા થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે આ બાબતોને સત્તાવાર સમર્થન મળ્યું નથી.