દ્વારકા મંદિરમાં ગઈ કાલે ભગવાન શ્રી દ્વારકાધીશનાં દર્શન કર્યા બાદ નરેન્દ્ર મોદી જ્યારે સભાસ્થળે જઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમણે પોતાનો કાફલો અટકાવી દીધો હતો અને કારમાંથી ઊતરીને RSSના તેમના જૂના મિત્રને મળવા દોડી ગયા હતા અને તેમના ખબરઅંતર પૂછ્યા હતા.
નરેન્દ્ર મોદી જ્યારે મંદિરપરિસરમાંથી તેમની કારમાં બેસીને બહાર નીકળી રહ્યા હતા ત્યારે તેમની નજર તેમના જૂના મિત્ર પર પડતાં તેઓ કારને થોભાવીને કારમાંથી ઊતરી પ્રોટોકૉલ અને સિક્યૉરિટીની ચિંતા કર્યા વગર મિત્ર હરિભાઈને મળવા તેમની પાસે પહોંચી ગયા હતા. જોકે હરિભાઈનાં પત્નીના મૃત્યુના સમાચાર જાણીને નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું હતું.
શ્રી દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિના સભ્ય હરિભાઈ ચૌધરીએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘અમારા સંઘના વખતના જૂના સંબંધો છે. ગુરુજી વખતના સંબંધો છે. નરેન્દ્રભાઈ નાના-મોટાને ભૂલતા નથી. તેઓ ભારતના સેવક છે અને ભારતની સેવા કરે છે.’
નેવુંના દશકમાં નરેન્દ્ર મોદી જ્યારે સંઘપ્રચારક હતા ત્યારે તેઓ અને હરિભાઈ એક જ રૂમમાં રહેતા અને એક જ ટિફિનમાંથી જમતા.