અમેરિકાના 25% ટેરિફના નિર્ણયથી ભારત પર વિશિષ્ટ અસર નહીં પડે: કૃષિ-ડેરી ક્ષેત્રે છૂટછાટ નહીં – સરકારી સૂત્રો
અમેરિકા દ્વારા કેટલાક આયાતી ઉત્પાદનો પર 25 ટકાની વધારાની ટેરિફ લાદવાના નિર્ણય બાદ વિશ્વભરમાં વેપાર ક્ષેત્રે ચિંતા જોવા મળી છે. તેમ છતાં, સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત પર આ નિર્ણયની કોઈ વિશિષ્ટ અસર થવાની શક્યતા નથી. શુક્રવાર, ૧ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ મળેલી માહિતી મુજબ, ભારતની મોટાભાગની નિકાસ યુએસ સરકારની ‘કલમ 232’ હેઠળ ડ્યુટી મુક્ત શ્રેણીમાં આવે છે, જેના કારણે આ વધારાની ટેરિફ ભારતીય ઉત્પાદનો પર લાગુ પડશે નહીં.
સૂત્રો અનુસાર, ભારતની કુલ નિકાસમાંનો મોટો હિસ્સો પહેલેથી જ અમેરિકાના મૂલ્યવર્ધિત અને ટેકનિકલ ઉત્પાદનો માટેની મુક્તિ હેઠળ આવે છે. તદુપરાંત, નિકાસના મોટા ભાગના ક્ષેત્રો ઉપર વધારાની ટેરિફનો સીધો પ્રભાવ થતો નથી. ઔપચારિક આંકડા મુજબ, નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન ભારત અને અમેરિકાના દ્વિપક્ષીય વેપારનો કુલ આકાર $131.8 બિલિયન રહ્યો છે. જેમાંથી ભારત તરફથી નિકાસ $86.5 બિલિયન હતી, જ્યારે આયાત $45.3 બિલિયન નોંધાઈ હતી.
આ ટેરિફનો સંભવિત પ્રભાવ લગભગ $40 બિલિયનની નિકાસ પર જ પડી શકે છે
એટલે કે ભારતની અડધાથી વધુ નિકાસ તેમાં થી અપ્રભાવિત રહેશે.
અત્યાર સુધી ભારતે કોઇપણ વેપાર કરારમાં કૃષિ, ડેરી અને GM ઉત્પાદનો (Genetically Modified)ને ડ્યુટી મુક્તિ આપી નથી. ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક લાગણીઓ સાથે સંકળાયેલા ડેરી ક્ષેત્ર પર ટેરિફ છૂટ આપવી ભારત માટે સ્વીકાર્ય નથી. અમેરિકન ડેરી ઉદ્યોગમાં પશુઆહાર તરીકે અપાયો થતો પદાર્થ ભારતીય ધર્મ અને તત્ત્વજ્ઞાન સાથે અસંગત છે. આથી, ભારતે સ્પષ્ટ કર્યો છે કે ડેરી ક્ષેત્રે કોઇ કરાર કરવામાં આવશે નહીં.
હાલમાં ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર અંગે છઠ્ઠો રાઉન્ડ 25 ઓગસ્ટથી શરૂ થવાનો છે. જો કે, આ વખતે પણ અંતિમ કરાર સુધી પહોંચવાનું મુશ્કેલ જણાઈ રહ્યું છે. તેમ છતાં, બંને દેશો વચ્ચે વાટાઘાટો ચાલુ રહેશે.