અમિત શાહ મંગળવારે એક દિવસની મુલાકાતે કોંગ્રેસના ગઢ અમેઠી પહોંચ્યા , જ્યાં અમિત શાહ, યોગી આદિત્યનાથ અને સ્મૃતિ ઈરાનીએ અમેઠીના સાંસદ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. અને 2019માં અમેઠીમાં પણ કમળ ખીલશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. અમેઠી ઉપરાંત શાહ સીતાપુર અને લખનઉ પણ જશે. શાહ લોકસભા ચૂંટણી 2019નો પ્રચાર અમેઠીથી જ કરશે. અમેઠીના વિકાસ માટે ભાજપ અધ્યક્ષ સહિતના નેતાઓએ વિવિધ પ્રોજેક્ટનું ખાતમૂર્હુત કર્યુ.
શાહે ગુજરાતના વિકાસની વાત કરતાં કહ્યું કે, “ગુજરાતના દરેક ગામમાં વીજળી અને દરેક ઘરમાં પાણી છે. ગુજરાતના વિકાસની વાત જનતા જાણે છે. યુપીને પણ ગુજરાત બનાવીશું કારણ કે મોદી-યોગીની જોડી વિકાસની જોડી છે.”
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રેલીનું સંબોધન અમેઠીના લોકોનો આભાર માનતાં કર્યો હતો.
અમિત શાહે પણ રાહુલ ગાંધી પર નિશાન સાધતાં કહ્યું કે, “જીતેલાં નેતા અમેઠીને ભૂલી ગયાં છે પરંતુ હારેલા નેતા (સ્મૃતિ ઈરાની) વારંવાર અમેઠી આવે છે.”
અમિત શાહે રાહુલ ગાંધીને શહઝાદે સંબોધતાં કહ્યું કે, “અમેઠીમાં ત્રણ ત્રણ પેઢીથી રાહુલ ગાંધીના પરિવારનું રાજ છે પરંતુ ત્રણ વર્ષ સુધી અમેઠી વિકાસ થયો નથી, તો કોંગ્રેસના શહઝાદાને પૂછવા માંગુ છું તેઓ કયા મોઢે મોદી સરકારના ત્રણ વર્ષનો હિસાબ માગે છે.”
વિકાસના નામે રાહુલ ગાંધીના આક્ષેપનો જવાબ આપતાં શાહે કહ્યું કે, “ગુજરાતની જનતા વિકાસ જાણે છે, રાહુલ બાબા તમે જણાવો કે અમેઠીમાં તમે શું કર્યું?”
2019ની ચૂંટણીમાં અમેઠીમાં પણ ભાજપનું કમળ ખીલશે તેવો વિશ્વાસ અમિત શાહે વ્યક્ત કર્યો હતો.
શાહે કહ્યું કે, “2019ની ચૂંટણી અમે હિસાબ આપીને વોટ માગીશું.”
મોદી સરકારની યોજના ગણાવતાં શાહે કહ્યું કે, “મોદી સરકારે ત્રણ વર્ષમાં 106 યોજનાઓ જાહેર કરી, જયાં સુધીની ગણતરી પણ રાહુલ ગાંધીને નથી આવડતી.”
અમેઠીની રેલીને સંબોધન કરતાં યુપીના સીએમ યોગી આદિત્યનાથે મોદી સરકાર તેમજ પોતાની સરકારની પ્રશંસા કરી હતી.
યોગીએ નોટબંધીના ફેંસલાને યોગ્ય ગણાવતાં કહ્યું કે, “નોટબંધીની પ્રશંસા નોબેલ પુરસ્કાર વિજેતા રિચર્ડ થેલરે કરી છે. તેમજ વડાપ્રધાને વિશ્વમાં ભારતનું નામ ખરા અર્થમાં પ્રતિષ્ઠા અપાવી છે અને દેશનું ગૌરવ વધાર્યું છે”
યોગીએ વિકાસની વાત કરતાં જણાવ્યું કે, “અમિત શાહના નેતૃત્વમાં યુપી જીત્યાં છીએ ત્યારે અમેઠીમાં વિકાસની સાથે સાથે પૂરાં પ્રદેશનો વિકાસ કરવામાં આવશે.”
યોગીએ કહ્યું કે, “વચેટિયા પ્રથા કોંગ્રેસની ભેટ છે જેને નાબૂદ કરીને રહીશું.”
યોગીએ પણ રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં કહ્યું કે, “કોંગ્રેસના ઉપાધ્યક્ષને અમેઠીની યાદ નથી આવતી, તેઓને ઈટાલીની યાદ આવે છે.ભાજપના કાર્યક્રમ બાદ જ તેઓ અમેઠી આવ્યાં હતા.”
2019માં અમેઠીથી રાહુલ અને રાયબરેલીથી સોનિયાને હરાવવાના પ્લાન અંતર્ગત અહીં દર સપ્તાહે કેન્દ્રીય મંત્રીઓ મુલાકાત કરશે. તેમજ વિસ્તારક કાર્યકર્તાઓ સાથે સીધો જ સંવાદ કરશે.
આ પાછળ તેવી પણ રણનીતિ છે કે રાહુલ-સોનિયાના ગઢમાં કેન્દ્રીય મંત્રીઓ અને ફાયર બ્રાંડ નેતાઓને મોકલીને તેઓને પોતાના ક્ષેત્રમાં જ રહેવા માટે મજબૂર કરવામાં આવે. જેનાથી તેઓ દેશના અન્ય ક્ષેત્રમાં ધ્યાન નહીં આપી શકે, જેનો સીધો ફાયદો ભાજપને જ મળી શકે છે.