ભાજપના વિવાદાસ્પદ સાંસદ મનસુખ વસાવાએ રાજીનામું આપ્યું, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને રાજીનામાનો પત્ર મોકલ્યો છે. જેમાં મારી ભૂલના કારણે પક્ષને નુકસાન ના પહોંચે તેના કારણે રાજીનામું આપું છું. લોકસભાના સત્રમાં અધ્યક્ષને મળીને પણ હું લોકસભાના સભ્ય પદેથી રાજીનામું આપી દઈશ. તેમણે ભાજપના પક્ષ પ્રમુખ સી.આર.પાટીલને આપેલું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. સાંસદ વસાવા છેલ્લા કેટલાક સમયથી ગુજરાત સરકારની કામગીરીથી નારાજગી અને લવજેહાદના મામલે પત્ર લખીને વિવાદમાં આવ્યાં હતાં.
તેમણે પત્રમાં જણાવ્યું છે કે ભાજપે મને મારી ક્ષમતાં કરતાં પણ ઘણું બધું આપ્યું છે. જે માટે પક્ષનો, પક્ષના કેન્દ્રીય નેતાગણનો હું આભાર માનું છું. મારાથી શક્ય હતી તેટલી મેં પક્ષમાં વફાદારી નિભાવી છે. પક્ષના મૂલ્યો, જીવનના મૂલ્યો પણ અમલમાં મુકવા કાળજી રાખી છે. પરંતુ આખરે તો હું પણ એક માનવી છું. મનુષ્યના નાતે જાણે અજાણે ભૂલો તો થતી હોય છે. મારી ભૂલના કારણે પક્ષને નુકસાન ના પહોંચે તે કારણસર હું પક્ષમાંથી રાજીનામું આપું છે. જે બદલ પક્ષ મને ક્ષમા કરે. બજેટ સત્ર દરમિયાન લોકસભા સભ્યપદેથી પણ સ્પીકરને રૂબરૂ મળીને હું રાજીનામુ આપી દઈશ.