રાહુલ ગાંધીનો ચૂંટણી પંચ અને રાજાશાહી વિચારસરણી પર કડક પ્રહાર
2 ઓગસ્ટ, 2025ના રોજ દિલ્હીમાં આયોજિત કોંગ્રેસના કાનૂની સંમેલનમાં પાર્ટી નેતા રાહુલ ગાંધીના ભાષણે રાજકીય ગલિયારાઓમાં ગરમાશ પેદા કરી છે. કાર્યક્રમ દરમ્યાન જ્યારે કાર્યકરોએ નારો લગાવ્યો — “દેશ કા રાજા કૈસા હો? રાહુલ ગાંધી જયસા હો!” — ત્યારે રાહુલે તરત જ તેની નારાજગી વ્યક્ત કરી. તેમણે સ્પષ્ટ કહ્યું: “હું રાજા નથી અને બનવા પણ માંગતો નથી. હું રાજાશાહી વિચારસરણીનો કટ્ટર વિરોધી છું.”
આ પ્રસંગે રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ (ECI) અને 2024ની લોકસભા ચૂંટણીમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે ગંભીર આક્ષેપો કર્યા. તેમણે કહ્યું કે ભારતની ચૂંટણી પ્રક્રિયા હવે ન્યાયી રહી નથી અને ચૂંટણીઓમાં ગોટાળા થવા પાછળ ચૂંટણી પંચની નિષ્ક્રિયતા અને પક્ષપાતી વ્યવહાર જવાબદાર છે.
રાહુલના મતે, મોદી સરકાર ખૂબ જ ઓછી બહુમતીથી સત્તામાં આવી છે.
તેમણે દાવો કર્યો કે ફક્ત 15 બેઠકો પર ગોટાળો ન થયો હોત તો હાલના વડા પ્રધાન પદ પર હોત જ નહીં. તેમના અનુસંધાન અનુસાર, ગોટાળાની સંખ્યા શક્યત: 70-80 બેઠકો સુધી પહોંચી શકે છે.
કર્ણાટકના ઉદાહરણમાં તેમણે એક બેઠકના 6.5 લાખ મતદારોમાંથી 1.5 લાખ નકલી હોવાનો દાવો કર્યો. રાહુલના કહેવા મુજબ, “જ્યારે અમે આ માહિતી જાહેર કરીશું, ત્યારે આખો દેશ હચમચી જશે. આ ચૂંટણી પ્રણાલી પર પડનાર પરમાણુ બોમ્બ સમાન રહેશે.”
રાહુલે વધુમાં દાવો કર્યો કે ચૂંટણી પંચ પર કબજો જમાવવામાં આવ્યો છે અને તે હવે એક સ્વતંત્ર સંસ્થા નથી રહી. તેમણે ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસની હાર અને મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા ઉમેરાયેલા એક કરોડ નવા મતદારોનું ઉદાહરણ આપ્યું, જેમાં મોટાભાગે મત ભાજપના ફાળે ગયા હતા.
રાહુલના આ તીવ્ર આક્ષેપો ભારતીય લોકશાહી અને ચૂંટણી વ્યવસ્થાની વિશ્વસનીયતા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.