નવી દિલ્હી : સિડનીમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ વંશીય ટિપ્પણીનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ખેલાડીઓ સામે કેટલાક દર્શકો દ્વારા કરવામાં આવેલી વંશીય ટિપ્પણીના મામલામાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ માફી માંગી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ મામલામાં કાર્યવાહી કરતાં 6 દર્શકોને મેદાનની બહાર મોકલ્યા છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પણ આ મામલે તપાસના આદેશ આપ્યા છે.
ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ ટી ટાઇમ પહેલા બાઉન્ડ્રી લાઇન પર વંશીય ટિપ્પણીનો શીકાર બન્યો હતો. આ મામલે સિરાજે કેપ્ટન રહાણેને જાણ કરી હતી અને તેણે તરત જ અમ્પાયરોને ફરિયાદ કરી હતી. ટી ટાઇમ પહેલા જાતિવાદી ટિપ્પણીને કારણે રમત પણ થોડા સમય માટે બંધ થઈ ગઈ હતી. ”
ત્રીજા દિવસે પણ વંશીય ટિપ્પણી
સિડની ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ જાતિવાદી ટિપ્પણીનો ભોગ બને તેવું પહેલીવાર નથી થયું. મેચના ત્રીજા દિવસે કેટલાક દર્શકોએ મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહ વિરુદ્ધ જાતિવાદી ટિપ્પણી કરી હતી. ત્રીજા દિવસની રમતના અંતે ટીમ ઇન્ડિયાએ આ મામલે અમ્પાયરો અને મેચ રેફરીને ફરિયાદ કરી હતી.