જાપાનમાં ગેરકાયદેસર મસ્જિદનો વિવાદ: પાકિસ્તાની રાજદૂતની હાજરીથી ઉઠ્યા સવાલો, હવે થશે તોડી પાડવાની કાર્યવાહી
જાપાનના કાવાગો શહેર (Kawagoe city) માં એક મસ્જિદના નિર્માણને લઈને ભારે વિવાદ સર્જાયો છે. ‘ધ જાપાન ટાઈમ્સ’ના એક અહેવાલ મુજબ, એક પાકિસ્તાની નાગરિક દ્વારા સ્થાનિક સત્તાધારીઓની પરવાનગી લીધા વિના બનાવવામાં આવેલી આ મસ્જિદ હવે તોડી પાડવામાં આવશે. આ મામલો એટલા માટે પણ ચર્ચામાં આવ્યો છે કારણ કે આ મસ્જિદના ઉદ્ઘાટન સમારોહમાં જાપાનમાં પાકિસ્તાનના રાજદૂત અબ્દુલ હમીદ હાજર રહ્યા હતા, જેના કારણે પાકિસ્તાન સરકાર માટે પણ શરમજનક સ્થિતિ સર્જાઈ છે.
પાકિસ્તાનનું સત્તાવાર સ્ટેન્ડ અને સ્પષ્ટતા
વિવાદ વધતા પાકિસ્તાન સરકારે આ મામલે પોતાનો હાથ ખંખેરી લીધો છે. પાકિસ્તાની દૂતાવાસે સ્પષ્ટતા કરી છે કે રાજદૂતને કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેમને ખાતરી આપવામાં આવી હતી કે ઈમારત પાસે તમામ જરૂરી પરવાનગીઓ છે. દૂતાવાસના જણાવ્યા મુજબ, તેઓએ જાપાનમાં રહેતા તમામ પાકિસ્તાનીઓને સ્થાનિક કાયદાઓનું ચુસ્તપણે પાલન કરવા તાકીદ કરી છે.
પાકિસ્તાની દૂતાવાસે એક નિવેદનમાં કહ્યું છે કે, “જાપાનમાં પાકિસ્તાનનું દૂતાવાસ તમામ પાકિસ્તાનીઓને અપીલ કરે છે કે તેઓ સ્થાનિક કાયદાઓનું સન્માન કરે અને કોઈપણ બાંધકામ કરતા પહેલા સત્તાવાળાઓ પાસેથી મંજૂરી મેળવે. દૂતાવાસ એવી કોઈ પણ પ્રોજેક્ટમાં સામેલ નથી જે સ્થાનિક કાયદાઓનો ભંગ કરતું હોય. રાજદૂતે આમંત્રણ ત્યારે જ સ્વીકાર્યું હતું જ્યારે તેમને ખોટી માહિતી આપવામાં આવી હતી કે બાંધકામ તમામ કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરીને કરવામાં આવ્યું છે.”
શા માટે આ બાંધકામને ‘ગેરકાયદેસર’ ગણવામાં આવ્યું?
કાવાગો શહેરના શહેરી વિકાસ વિભાગના મતે, આ ઈમારત જરૂરી અરજીઓ અને પરમિટ વિના બનાવવામાં આવી હતી. સ્થાનિક પ્રશાસને જમીન માલિક પાકિસ્તાની કંપનીને આ માળખું દૂર કરવા આદેશ આપ્યો છે. અધિકારીઓનું સ્પષ્ટ કહેવું છે કે, “આ કોઈ ધાર્મિક સ્થળ છે તે માટે અમે કોઈ વિશેષ છૂટ આપી શકીએ નહીં. કાયદો સૌ માટે સમાન છે.”
સ્થાનિક ‘સિટી પ્લાનિંગ એક્ટ’ મુજબ, આ વિસ્તાર ‘અર્બનાઈઝેશન કંટ્રોલ ઝોન’ માં આવે છે, જ્યાં કોઈપણ પ્રકારના વિકાસ કામો પર કડક પ્રતિબંધ છે અને બાંધકામ માટે ખાસ મંજૂરી લેવી અનિવાર્ય છે. અહીં કોઈપણ પ્રકારની છૂટછાટ આપવી શક્ય નથી.
‘જાપાનીઝ ભાષા સમજાતી નથી’ – કામદારોનો બચાવ
ઓક્ટોબર 2024માં સત્તાવાળાઓને આ ગેરકાયદેસર બાંધકામ વિશે જાણ થઈ હતી. તે સમયે બાહ્ય માળખું તૈયાર થઈ ગયું હતું. પ્રશાસને બાંધકામ રોકવા આદેશ આપ્યો હોવા છતાં કામદારોએ તે ચાલુ રાખ્યું હતું. જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે કામદારોએ વિચિત્ર બચાવ કરતા કહ્યું હતું કે, “અમને જાપાનીઝ ભાષા સમજમાં આવતી નથી.”
川越のモスクに行ったら違法だらけだった。 https://t.co/asuMxgKPt1 pic.twitter.com/MevevmKMkh
— 河合ゆうすけ【戸田市議選で歴代最多得票トップ当選】1st (@migikatakawai) June 2, 2026
આ મામલાની વધુ વિગતો આપતા અહેવાલમાં જણાવાયું છે કે માર્ચ 2025માં જમીનની માલિકી એક રિયલ એસ્ટેટ કંપની પાસેથી બદલાઈને કાવાગો શહેરમાં સ્થિત એક પાકિસ્તાની નાગરિકની કંપની પાસે ગઈ હતી. તે જ મહિને કંપનીએ પ્રશાસનને એક રિમેડિયેશન પ્લાન (સુધારા યોજના) સબમિટ કરી હતી, જેમાં સ્વીકાર્યું હતું કે તેઓ આ માળખું હટાવવાની પ્રક્રિયા શરૂ કરશે.
માલિકના પિતાનું ચોંકાવનારું નિવેદન
ટેલિફોનિક વાતચીતમાં, પાકિસ્તાની માલિકના પિતાએ અસ્ખલિત જાપાનીઝ ભાષામાં વાત કરી હતી, જે કામદારોના ‘ભાષા ન સમજવાના’ બચાવને ખોટો ઠેરવે છે. તેમણે જણાવ્યું હતું કે, “અમે જમીન ખરીદી તે પહેલા જ આ ઈમારત ત્યાં હતી. અમે તેને તોડી પાડવાની ચર્ચા કરી રહ્યા છીએ, પરંતુ તોડવાનો ખર્ચ ઘણો વધારે છે એટલે મુશ્કેલી પડી રહી છે. અત્યારે અમે શહેરના અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છીએ કે આ બાબતે આગળ શું કરી શકાય.”
