ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો ઐતિહાસિક વિજય: ઓવલમાં 6 રને ઇંગ્લેન્ડને હરાવી શ્રેણી 2-2થી બરાબર
ભારતે ઓવલમાં રમાયેલી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને 6 રનની રોમાંચક જીત સાથે હરાવ્યું. આ જીત સાથે ભારતે એન્ડરસન-તેન્ડુલકર ટ્રોફી 2-2થી બરાબર કરી દીધી. ઓવલના ઇતિહાસમાં ભારતની આ ત્રીજી જીત છે અને ટેસ્ટ ઇતિહાસમાં ભારતનો અત્યાર સુધીનો સૌથી નાનો વિજય પણ છે.
પાંચમા દિવસે ઇંગ્લેન્ડને માત્ર 35 રનની જરૂર હતી પરંતુ ભારતના ઝડપી બોલરો મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ ધમાકેદાર બોલિંગ કરતાં ઇંગ્લેન્ડની બધી વિકેટ માત્ર 28 રનમાં પાડીને 6 રનથી જીત મેળવી લીધી.
આ મેચમાં મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા બંને ભારત માટે નાયકો સાબિત થયા. પ્રથમ ઇનિંગમાં બંનેએ 4-4 વિકેટ લીધી અને બીજી ઇનિંગમાં સિરાજે 5 તથા કૃષ્ણાએ 4 વિકેટ ઝડપી. કુલ મળીને બંનેએ 17 વિકેટ લીધી અને ભારતને જીત તરફ દોરી ગયું.
મેચની શરૂઆતમાં ભારત પ્રથમ દાવમાં માત્ર 224 રનમાં ઓલઆઉટ થયું હતું.
જોકે ઇંગ્લેન્ડ પણ 247 રન બનાવીને 23 રનની નાની લીડ મેળવી શક્યું. ભારતની બીજી ઇનિંગમાં યશસ્વી જયસ્વાલે શાનદાર 118 રન બનાવ્યા અને આકાશદીપ સાથે 107 રનની ભાગીદારી કરી. ભારતે બીજી ઇનિંગમાં 396 રન બનાવ્યા અને ઇંગ્લેન્ડને 374 રનનો લક્ષ્યાંક આપ્યો.
ઇંગ્લેન્ડ તરફથી જો રૂટ (105) અને હેરી બ્રુક (111) વચ્ચે 195 રનની ભાગીદારી બાદ એવું લાગી રહ્યું હતું કે મેચ ઇંગ્લેન્ડ જીતી જશે, પરંતુ ચાના સમયે બંનેના આઉટ થતા ભારતે મેચમાં પાંસો ફેરવી દીધો. આખરે ભારતીય બોલિંગનો દબદબો રહ્યો અને ઇંગ્લેન્ડ 367 રન પર ઓલઆઉટ થયું.
આ જીત સાથે શુભમન ગિલ ઓવલમાં ભારતને વિજય અપાવનાર ત્રીજા કેપ્ટન બન્યા છે, અજિત વાડેકર (1971) અને વિરાટ કોહલી (2021) પછી. આ જીત ભારત માટે સ્મરણિય અને ઐતિહાસિક બની રહી.