ભારતીય રેલવેનું ઐતિહાસિક પગલું
ભારતની લાંબા સમયથી અપેક્ષિત પહેલી બુલેટ ટ્રેન હવે શરુ થવાની નજીક છે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે ઔપચારિક રીતે જાહેરાત કરતા જણાવ્યું કે મુંબઈથી અમદાવાદ વચ્ચેની સફર હવે માત્ર 2 કલાક 7 મિનિટમાં પૂર્ણ થશે, જેના માટે રિવર્સ કાઉન્ટ ડાઉન પણ શરૂ કરી દેવામાં આવ્યો છે.
508 કિલોમીટરનો સ્પીડ ટ્રેક, 320 કિમી પ્રતિ કલાકની ઝડપ
આ હાઈ સ્પીડ ટ્રેન મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સથી શરૂ થઈને ગુજરાતના વલસાડ, સુરત, વડોદરા, આણંદ અને અમદાવાદ સુધી વિહંગગતિએ દોડી જશે. કુલ 508 કિમી લંબાઈ ધરાવતો આ રૂટ દેશમાં પ્રથમવાર 320 કિમી પ્રતિ કલાકની સ્પીડ અનુભવશે.
ભારતીય રેલવેમાં અત્યાર સુધીનો સૌથી મોટો રોકાણ પ્રોજેક્ટ
આ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹1.08 લાખ કરોડ છે. જેમાંથી જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA) ₹88,000 કરોડની લોન આપી રહી છે. BEML દ્વારા બનાવાયેલી હાઈ સ્પીડ કાર્સના દરેક યુનિટની કિંમત આશરે ₹27.86 કરોડ છે.
ગુજરાતમાં બુલેટ ટ્રેન કોરિડોર ક્યારે પૂર્ણ થશે?
અશ્વિની વૈષ્ણવે લોકસભામાં જણાવ્યું હતું કે વાપીથી સાબરમતી વચ્ચેનો વિભાગ 2027ના અંત સુધીમાં પૂર્ણ થવાની શકયતા છે. આ વિભાગના ઝડપી અમલ માટે સતત નિરીક્ષણ અને ટેક્નિકલ કામ ચાલી રહ્યું છે.
રેલવે મંત્રીની ભાષા : માત્ર ટ્રેન નહીં, દેશની દિશા બદલવાનો પ્રયાસ
ભાવનગરમાં યોજાયેલી જાહેર સભામાં રેલ મંત્રીએ જણાવ્યું કે, “માત્ર ટ્રેન શરૂ થવાની નથી, આ તો દેશના વિકાસની ગતિ છે.” તેમણે ભારતના રેલવે ઈતિહાસમાં થયેલા મોટા ફેરફારો પણ રજૂ કર્યા—જેમાં 34,000 કિમી નવી લાઈન, 1,300થી વધુ સ્ટેશનોનો કાયાકલ્પ, અને દરરોજ સરેરાશ 12 કિમી ટ્રેકની વૃદ્ધિનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં વધુ રેલ પ્રોજેક્ટ્સ
પોરબંદર-રાજકોટ નવી ટ્રેન
રણવાવમાં ₹135 કરોડની કોચ મેન્ટેનન્સ સુવિધા
પોરબંદરમાં નવી રેલવે ઓવરબ્રિજ
ગતિ શક્તિ ટર્મિનલની રૂપરેખા
નવી પેઢીના મુસાફરી અનુભવ માટે રેલવે તૈયાર
રેલ મંત્રીએ વધુમાં જણાવ્યું કે વંદે ભારત, અમૃત ભારત, અને નામો ભારત જેવી નવી પેઢીની ટ્રેનો ભારતીય યાત્રીઓને આધુનિક સુવિધાઓ સાથે ભવિષ્ય તરફ લઈ જઈ રહી છે. ખાસ કરીને અમૃત ભારત ટ્રેનો વંદે ભારત જેવી સુવિધાઓ ધરાવે છે પણ ભાડું વધુ યોગ્ય છે.
ભારત હવે બુલેટ ટ્રેનના યુગમાં પ્રવેશ કરવા જઈ રહ્યું છે. માત્ર ઝડપ નહીં, આ ટ્રેન દેશના આધુનિક સપનાને પાંખ આપે છે. જ્યારે અમદાવાદથી મુંબઈ 2 કલાકમાં પહોંચી શકાય, ત્યારે વિકાસ પણ ઝડપથી પહોંચી રહ્યો છે!