બમ બમ ભોલે’ના નાદ સાથે સોમનાથ ધામ ગૂંજી ઉઠ્યું
શ્રાવણ મહિના દરમિયાન શિવભક્તો માટે સોમનાથ ધામ આસ્થા અને ભક્તિનું જીવંત કેન્દ્ર બની જાય છે. આજે શ્રાવણ માસના બીજા સોમવારે પણ દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર ભારત સુધીના હજારો ભક્તો સોમનાથ મહાદેવના પવિત્ર દર્શન માટે ઉમટી પડ્યા હતા.
અગાઉથી જ શનિવાર અને રવિવારની રાતે ભક્તોએ સોમનાથ તરફ પ્રયાણ કરી હતી. સવારે સુર્યોદય પહેલાં જ મંદિર પ્રાંગણ “બમ બમ ભોલે” અને “હર હર મહાદેવ”ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. આખું વિસ્તાર શિવમય બની .હતું…
શ્રદ્ધા અને ભક્તિ
શ્રાવણ મહિનાનો દર સોમવાર શિવભક્તો માટે પાવન ગણાય છે. ખાસ કરીને સોમનાથ જેવા જ્યોતિર્લિંગ ખાતે દર્શન કરવાનું વિશેષ મહત્વ છે. આજે ભક્તો શ્રદ્ધા અને ઉત્સાહ સાથે સોમનાથ મહાદેવના દર્શન માટે લાંબી લાઈનોમાં ઉભા રહ્યાં. કેટલાય યાત્રાળુઓએ રાત્રીભર ટ્રેન, બસ અને ખાનગી વાહન દ્વારા સફર કરીને મંદિર પહોંચ્યાં.
રાજ્યભરમાંથી અને દેશભરમાંથી ઉમટેલા ભક્તો
માત્ર ગીર સોમનાથ જ નહીં, પણ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશથી પણ મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી. સોમનાથ મંદિરના દરવાજા સવારે 4 વાગ્યે ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. મંદિરના સમગ્ર પરિસરમાં ભક્તિનો માહોલ છવાયો છે.
વ્યવસ્થાઓ સુઘડ, યાત્રાળુઓ માટે સગવડો
સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસ દરમિયાન ભક્તોને શ્રેષ્ઠ અનુભવ મળે એ માટે માઈક્રો પ્લાનિંગ સાથે તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. ભક્તોને ક્યુ મેનેજમેન્ટથી લઈને પીણાંના પાણી અને આરામ માટેની જગ્યા સુધીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ માસમાં અંદાજે 10 લાખથી વધુ યાત્રાળુઓ અહીં પધારવાની શક્યતા છે.
25 રૂપિયામાં મહામૃત્યુઞ્જય યજ્ઞ, ઓનલાઈન દર્શનની પણ સુવિધા
શ્રાવણ માસ દરમિયાન ખાસ આયોજન હેઠળ ભક્તો માત્ર ₹25માં “મહામૃત્યુઞ્જય યજ્ઞ”માં ભાગ લઈ શકે છે. સાથે જ Somnath.org વેબસાઈટ પર ઓનલાઈન દર્શનની પણ વ્યવસ્થા છે, જેથી ઘેરબેઠાં લોકો મહાદેવના દર્શનનો લાભ લઈ શકે છે.
શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના દર્શન શ્રદ્ધા, ભક્તિ અને શાંતિનો અનોખો અનુભવ આપે છે. આજનો દિવસ પણ આ ભક્તિના માહોલનો સાક્ષી રહ્યો. ‘સોમનાથ મહાદેવ દર્શન ભક્તો માટે માત્ર ધાર્મિક ક્રિયા નથી, પરંતુ જીવંત ભક્તિનો ઉત્સવ છે.