અમદાવાદ : ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ અને ભાજપ સક્રિય થયો છે. ત્યારે નાણામંત્રી અરુણ જેટલી અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી વચ્ચે અર્થવ્યવસ્થાને લઈને ચર્ચાઓ જોરશોરમાં છે.
રાહુલ ગાંધીએ પહેલા જીએસટીની ગબ્બર સિંહ ટેક્ષ કહી મજાક ઉડાવી અને ત્યારબાદ અર્થવ્યવસ્થા પર કટાક્ષ કરતા અરુણ જેટલીએ પણ સણસણતો જવાબ આપ્યો છે.
અરુણ જેટલીએ કહ્યું કે પહેલીવાર એવું બન્યું છે કે ત્રણ વર્ષ સતત ભારતની અર્થવ્યવસ્થા દુનિયાની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે . મંગળવારે અરુણ જેટલીએ જે એલાન કર્યાં તેના પર તેમણે કહ્યું કે તેનું ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી. આ બધાના પરિણામો લાંબા ગાળે જોવા મળશે.
જીએસટી મુદ્દે કોંગ્રેસ પર પલટવાર કરતા નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું કે જો તમામ વસ્તુઓને 18 ટકાની અંદર આવરી લેવામાં આવે તો તેનાથી જે લોકો લક્ઝરી વસ્તુઓ ખરીદે છે તેને મદદ થઈ પડશે. શું કોંગ્રેસ બીએમડબલ્યુ અને મર્સિડિઝ સસ્તી થઈ જાય તેવું ઈચ્છે છે.
કોંગ્રેસ શાસિત રાજ્ય સરકારોના નાણામંત્રીએ જીએસટી સ્લેબને સમજાવો જોઈએ.