આગામી 21 અને 28મી ફેબ્રુઆરીએ બે તબક્કામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. જોકે, ચૂંટણી પહેલા જ કોંગ્રેસે હારનો સામનો કરવો પડ્યો છે. ઉના અને કડી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભાજપના ઉમેદવારો મોટી સંખ્યામાં બિનહરીફ થયા છે. કોંગ્રેસે મેન્ડેટ આપેલા ઉમેદવારોએ છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચી લેતાં કેટલીય બેઠકો બિનહરીફ થઈ ગઈ છે. કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચતા ભાજપે પાલિકા અને પંચાયતોની 219 સીટ પર જીત મેળવી લીધી છે.
રાજ્યમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ ભાજપના નામે રહ્યો છે. કોંગ્રેસના ઉમેદવારોએ ઠેરઠેર ફોર્મ ખેંચતા ભાજપને વગર ચૂંટણીએ જ જીતનો સ્વાદ ચાખવા મળ્યો છે. જેમાં આજે મંગળવારે (16 ફેબ્રુઆરીએ) 15 જિલ્લા પંચાયત, 83 તાલુકા પંચાયત અને 70 નગરપાલિકાની બેઠક બિનહરીફ જીતી છે.
નિતિન પટેલના વતન એવા મહેસાણા જિલ્લાની કડી નગરપાલિકામાં ભાજપનો ભગવો વગર ચૂંટણીએ લહેરાયો હતો. 36 બેઠક પૈકી 26 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચતા 26 બેઠક બિનહરીફ થઈ હતી અને ભાજપના ઉમેદવાર જીતી ગયા હતા. તેવી જ રીતે ગીર સોમનાથના ઉના નગરપાલિકામાં પણ ભાજપે ચૂંટણી વગર જીત મેળવી લીધી છે. ઉનામાં 36માંથી 21 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચતા ભાજપના ઉમેદવારો જીતી ગયા હતા અને ઉના નગરપાલિકા કબજે કરી હતી.
પાલિકા અને પંચાયતની ચૂંટણીમાં ભાજપનો ભગવો
મતદાન વિના જ અનેક બેઠકોમાં ભાજપની જીત
કડી અને ઉના પાલિકામાં ભગવો
કડીની 36માંથી 26 બેઠકો બિનહરિફ
ઉનાની 36 માંથી 21 બેઠકો બિનહરિફ
જિલ્લા પંચાયતની 24 બેઠકો પર ભાજપ બિનહરિફ
તાલુકા પંચાયતની 110 બેઠક પર ભાજપ બિનહરિફ
નગરપાલિકામાં 85 બેઠકો પર ભાજપ બિનહરિફ
પાલિકા અને પંચાયતમાં કુલ 219 બેઠકો પર ભાજપ બિનહરિફ
ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે આપી સત્તાવાર જાહેરાત