ગંભીરા પુલ દુર્ઘટના પછી રાહત કામગીરીનો અંતિમ તબક્કો: ટેન્કર હટાવવા સ્વદેશી તકનીકનો ઉપયોગ
12 ટનના કેમિકલ ટેન્કરને હટાવવા 50 સભ્યોની ટીમ કાર્યરત, કોઈ વિદેશી સહાય વિના દેશી તકનીકે ધીમે ધીમે વિપત્તિને વશ કરી
આણંદ જિલ્લાની મહિસાગર નદી પર આવેલા ગંભીરા પુલના તૂટી પડ્યા બાદ રાહત અને પુનઃસ્થાપન કાર્ય હવે તેના અંતિમ તબક્કામાં છે. થોડા દિવસો પહેલા બનેલી આ ભયાનક ઘટનામાં ઘણાં લોકોનાં મૃત્યુ થયા હતા અને એક 12 ટન વજનનો કેમિકલ ભરેલો ટેન્કર પુલ પર લટકી ગયો હતો. હવે, તેને સુરક્ષિત રીતે દૂર કરવાનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે.
આ કામગીરીમાં અત્યાધુનિક અને સંપૂર્ણપણે દેશી ટેકનોલોજીનો સહારો લેવામાં આવ્યો છે. ટેન્કરને પુલના સ્તર સુધી ઉપાડવા માટે ખાસ “એર લિફ્ટિંગ રોલર બેગ” અને “સ્ટ્રેન જેક” જેવી ટેક્નીકનો ઉપયોગ થઈ રહ્યો છે. ટેન્કરની નીચે રોલર બેગ મૂકવામાં આવી છે, જેને ધીમે ધીમે હવામાં ફુલાવીને પુલના સપાટિયે લાવવામાં આવી રહ્યો છે. એકવાર ટેન્કર પુલ પર સ્થિર થઈ જાય, ત્યારબાદ તેને લગભગ 900 મીટર લાંબા કેબલ દ્વારા પુલના કિનારે ખેંચી લાવવામાં આવશે.
આ આખા અભિયાનમાં 50થી વધુ ટેક્નિકલ અને સુરક્ષા નિષ્ણાતો સતત કાર્યરત છે. કામગીરી દરમિયાન સુરક્ષા અને પારદર્શિતા માટે ચાર ડ્રોન કેમેરાથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. કોઈ પણ સામાન્ય વ્યક્તિને પુલ નજીક જવાની મંજૂરી નથી આપવામાં આવી, જેથી અન્ય કોઈપણ અકસ્માતની શક્યતા ટાળી શકાય.
વિશેષ વાત એ છે કે, આ સમગ્ર કામગીરીમાં કોઈ વિદેશી સહાય અથવા ટેકનીકલ સપોર્ટ લેવાયો નથી. દેશના પોતાના નિષ્ણાતો અને ટેકનિકલ ટીમે જ આ સંકટમય પરિસ્થિતિને હલ કરવાનો બહાદુર પ્રયાસ કર્યો છે. આ કાર્ય દેશની ટેક્નોલોજીકલ ક્ષમતાનું પ્રતિબિંબ છે કે કેવી રીતે આજના ભારતની પોતાની ટેકનોલોજી કોઈ પણ વિપત્તિને હલ કરવા માટે પૂરતી ક્ષમતા ધરાવે છે.
શનિવાર સુધીમાં આ આખી પ્રક્રિયા પૂર્ણ થવાની શક્યતા છે અને સ્થાનિક પ્રશાસન તેમજ રાહત દળો આ કાર્યને સફળ બનાવવા માટે સતત જહેમત લઈ રહ્યા છે. આ કામગીરીથી દુર્ઘટનાની અસર ઓછી થશે પરંતુ એ પણ સાબિત થયું કે આપણું તંત્ર સંકટ સમયે ઝડપથી પ્રતિક્રિયા આપી શકે છે.