15 વર્ષીય વૈભવ સૂર્યવંશી: ભારતીય જર્સી પહેરતા જ ભાવુક થયો આ કિશોર સ્ટાર, ઇતિહાસ રચવાની તૈયારીમાં
ભારતીય ક્રિકેટના આંગણે એક નવી સવાર ઉગી છે. માત્ર 15 વર્ષની ઉંમરે પોતાની રમતના જોરે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચનાર વૈભવ સૂર્યવંશી હવે તે ક્ષણની ખૂબ નજીક છે, જેનું સપનું દરેક ભારતીય ક્રિકેટર જુએ છે. શુક્રવારે આયર્લેન્ડ સામેની મેચમાં વૈભવ ભારત તરફથી પોતાનું આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કરી શકે છે. હાલમાં જ BCCI દ્વારા જાહેર કરવામાં આવેલા એક વીડિયોએ સમગ્ર ભારતમાં લાગણીશીલ માહોલ ઉભો કરી દીધો છે, જેમાં આ યુવા ખેલાડી ભારતની બ્લુ જર્સી જોઈને ભાવુક થતો જોવા મળે છે.
જર્સી મળતા જ રઘુના ચરણસ્પર્શ કરી વ્યક્ત કર્યો આભાર
વીડિયોમાં એક ખૂબ જ સ્પર્શી લેનારી ક્ષણ કેદ થઈ છે. જ્યારે ટીમ ઈન્ડિયાના થ્રોડાઉન સ્પેશિયાલિસ્ટ રઘુ વૈભવના હોટલ રૂમનો દરવાજો ખટખટાવીને તેને ભારતની સત્તાવાર જર્સી આપે છે, ત્યારે વૈભવની પ્રતિક્રિયા સૌ કોઈના દિલ જીતી લે તેવી હતી. જર્સી હાથમાં લેતા પહેલા, તેણે રઘુના પગ સ્પર્શ કરીને આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરી. આ દ્રશ્ય એક યુવા ખેલાડીના સંસ્કારો અને ક્રિકેટ પ્રત્યેના તેના સમર્પણને પ્રતિબિંબિત કરે છે.
જર્સીને હાથમાં પકડીને તેને નિહાળતી વખતે વૈભવની આંખોમાં જે ચમક હતી, તે કોઈ પણ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. તેણે ભાવુક થઈને કહ્યું, “શબ્દોમાં આ લાગણીને વર્ણવવી મુશ્કેલ છે. મેં જ્યારે પહેલીવાર બેટ ઉપાડ્યું હતું, ત્યારે જે સપનું જોયું હતું તે આજે સાકાર થયું છે. આ મારા જીવનની સૌથી મોટી સફરનું એક મહત્વનું પગલું છે. જ્યારે મેં મારી ભારતની જર્સી જોઈ, ત્યારે હું મારી ખુશી રોકી શક્યો ન હતો.”
Ladies & Gentlemen
The moment the nation has been waiting for has arrived!
Vaibhav Sooryavanshi in #TeamIndia jersey. Witness this incredibly special moment ❤️ pic.twitter.com/sUUytFMPVw
— BCCI (@BCCI) June 23, 2026
અસાધારણ પ્રતિભા અને રેકોર્ડબ્રેક સફર
વૈભવ સૂર્યવંશીનું આ સ્થાન સુધી પહોંચવું કોઈ ચમત્કાર નથી, પરંતુ તેની અથાગ મહેનતનું પરિણામ છે. માત્ર એક વર્ષ પહેલાં સૌથી યુવા IPL સેન્ચુરિયન તરીકે તેણે ક્રિકેટ જગતમાં પગ મૂક્યો હતો. ત્યારબાદ તેણે પાછું વળીને જોયું નથી. ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા જેવી ટીમો સામે વિદેશી ધરતી પર તેણે શાનદાર સદીઓ ફટકારીને સાબિત કર્યું છે કે તે મેદાન પરના દબાણને ખૂબ સારી રીતે હેન્ડલ કરી શકે છે.
સૈયદ મુશ્તાક અલી અને વિજય હજારે ટ્રોફીમાં પણ તેણે પોતાની અદભૂત રમતનું પ્રદર્શન કર્યું. IPL 2026 માં જ્યારે ઘણાને શંકા હતી કે તે ફરીથી રન બનાવી શકશે કે નહીં, ત્યારે તેણે તમામ વિવેચકોના મોઢા બંધ કરી દીધા. તેણે 776 રન બનાવીને વિરાટ કોહલી, શુભમન ગિલ અને કેએલ રાહુલ જેવા દિગ્ગજોને પાછળ છોડીને ‘ઓરેન્જ કેપ’ જીતનાર સૌથી યુવા ખેલાડી બનીને ઇતિહાસ રચ્યો. પસંદગીકારોના મુખ્ય અજિત અગરકર માટે પણ તેને ટીમમાં પસંદ કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો ન હતો.
