ઉત્તરકાશીના ધારલીમાં રાહત અને બચાવ કામગીરી જોરે, હોસ્પિટલોમાં ૩૭૦ બેડ અનામત
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધારાલી ગામમાં મંગળવારે થયેલી વિનાશક કુદરતી આપત્તિએ રાજ્યને હચમચાવી દીધું છે. ખીર ગંગા નદીમાં વાદળ ફાટ્યાના કારણે આવેલા પૂરથી ચાર લોકોના મોત થયા છે અને ૧૩૮થી વધુ લોકોને સલામત બહાર કાઢવામાં આવ્યા છે. હાલ સ્થાન પર રાહત અને બચાવ કામગીરી સતત ચાલી રહી છે.
ઉત્તરકાશીના મુખ્ય ચિકિત્સા અધિકારી (CMO) ડૉ. બી.એસ. રાવતે જણાવ્યું હતું કે, નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સારવાર માટે ડૉક્ટરોની ટીમો અને ૨૫ જેટલી એમ્બ્યુલન્સ તૈનાત છે. ધારલીમાં હોસ્પિટલોમાં ૩૭૦ બેડ અનામત રાખવામાં આવ્યા છે. જોકે રસ્તાઓ તૂટી ગયેલા હોવાથી અમુક વિસ્તારોમાં એમ્બ્યુલન્સ પહોંચવામાં મુશ્કેલી આવી રહી છે.
મનોવિજ્ઞાનિકોની ટીમ પણ તૈનાત
ઘટનાને પગલે લોકોમાં ભયનું વાતાવરણ છે. જેને ધ્યાને રાખીને રાજ્ય સરકારે મનોચિકિત્સકોની ખાસ ટીમ પણ ધારલીમાં મોકલી છે, જે સ્થળ પર જ લોકોને પરામર્શ આપી રહી છે. ટ્રોમા અનુભવેલા લોકોને માનસિક રીતે સ્થિર કરવામાં મદદ મળી રહી છે.
રસ્તાઓ બંધ, અવરજવર પર અસર
ગંગોત્રી નેશનલ હાઈવે (NH-34) પર અનેક જગ્યાએ ભૂસ્ખલન અને નદીના ધોવાણને કારણે રસ્તાઓ તૂટી ગયા છે. માનેરી પાસે ભાગીરથી નદીના ધસકવાથી ૫૦ મીટરનો માર્ગ તૂટી પડ્યો છે. પાપડગઢ ખાતે ૧૦૦ મીટરનો ખાડો પડી ગયો છે અને ચડેથી, સુખી ટોપ જેવા વિસ્તારોમાં પણ ટ્રાફિક ઠપ થઈ ગયો છે. BRO અને સ્થાનિક તંત્ર દ્વારા JCB અને મશીનોની મદદથી માર્ગો સાફ કરવામાં આવી રહ્યા છે.
મુખ્યમંત્રી ધામીની સંવેદનાશીલતા
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાંથી સ્થિતિની સમીક્ષા કરી છે. તેમણે અધિકારીઓને તાત્કાલિક રાહત પહોંચાડવા, ખોરાક, દવાઓ અને ઈમરજન્સી સેવાઓ પૂરું પાડવા માટે નિર્દેશ આપ્યો છે. વાયુસેનાના ચિનૂક અને MI-17 હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે જેથી જરૂરીયાત પ્રમાણે એરલિફ્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી શકે.
હવે સરકારનો મુખ્ય ઉદ્દેશ રસ્તાઓ ખોલવાનો, મોબાઈલ નેટવર્ક પુનઃસ્થાપિત કરવાનો અને અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક સહાય પહોંચાડવાનો છે. ભારે વરસાદ છતાં, તંત્ર સંપૂર્ણ રીતે સક્રિય છે અને સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.