અમદાવાદઃ અત્યારના સમયમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામેલો છે. ચૂંટણી પ્રચાર પણ જોરશોરથી થઈ રહ્યો છે. કોરોનાની મહામારી વચ્ચે પણ લોકો નિયમો ભંગ કરી ચૂંટણી પ્રચારમાં ઉમટી પડે છે. રાજ્યની છ મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાઈ ગઈ હવે પાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી આગામી રવિવારે યોજાનારી છે. ત્યારે ચૂંટણી પ્રચારમાં લોકો ભાન ભૂલ્યા છે. જેનું માઠું પરિણામ આવી રહ્યું છે. રેલીઓમાં લોકોની ભૂલના પરિણામ સ્વરૂપ ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. 25મી ફેબ્રુઆરીએ ગુજરાતમાં 33 દિવસ બાદ ફરી 400થી વધુ 424 નવા કોરોના કેસ નોંધાયા છે. ગુજરાતમાં ગુઆ સાથે ગુજરાતમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 2,68,571 લાખે પહોંચી છે.
આજે રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણથી અમદાવાદમાં 1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાનો કુલ મૃત્યુઆંક 4,408 થયો છે. ગુજરાતમાં આજે 7 જિલ્લાઓમાં કોરોના સંક્રમણનો એક પણ નવો કેસ નોંધાયો નથી. તેમાં બનાસકાંઠા, છોટા ઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, પાટણ, પોરબંદર અને તાપી જિલ્લાનો સમાવેશ થાય છે.
રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા પણ વધીને 1,991 થઇ છે એટલે કે આટલા દર્દીઓ સારવાર હેઠળ, હાલ 35 દર્દીઓ વેન્ટિલેટર પર તો બીજી બાજુ સારવાર બાદ 301 કોરોનાગ્રસ્ત દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી રાજ્યમાં કોરોના મુક્ત થનાર દર્દીઓનો આંકડો 2.62 લાખને વટાવી ગયો છે. રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 97.62 ટકા થયો છે.
દેશમાં ફરીવાર કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. દોઢ માસ બાદ 24 કલાકમાં 16 હજારથી વધારે કોરોનાના કેસ સામે આવ્યા છે. તો 24 કલાકમાં 138 જેટલા લોકોના મોત દેશમાં થયા. 24 કલાકમાં 16 હજાર 738 નવા કેસ નોંધાયા. આ સાથે દેશમાં કોરોનાના કેસની સંખ્યા 10 લાખ 46 હજાર 914 થયા છે.
દેશમાં કોરોનાથી 56 હજાર 705 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. અહી 24 કલાકમાં 8 હજાર જેટલા નવા કેસ સામે આવ્યા. જે બાદ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસની સંખ્યા વધી 21 લાખ 21 હજાર થઈ છે. મહારાષ્ટ્ર સહિત પંજાબ અને મધ્ય પ્રદેશમાં કોરોનાના કેસમાં વધારો થવાના કારણે ઉદ્ધવ સરકારની ચિંતામાં વધારો થયો છે.
અમદાવાદમાં મહાપાલિકાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે શહેરમાં ફરી વાર કોરોનાએ ફુંફાડો માર્યો છે. શહેરમાં કોરોનાના કેસ વધતા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન પણ વધ્યા. મળતી માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં અમદાવાદમાં 152 ઘરને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવવામાં આવ્યા છે. શહેરના પૂર્વ અને પોશ વિસ્તારમાં કોરોનાએ ફરીવાર માથું ઉચક્યુ છે. શહેરના બોડકદેવના શુભમ સ્કાય, ગોતા સાયન્સ સીટીના વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા છે. કોરોનાના કેસ વધતા તંત્ર પણ એક્શન મોડમાં આવ્યું છે.