અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. એક બે ઘટનાઓને બાદ કરતા રાજ્યમાં શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું છે. મતદાનના દિવસે નાની મોટી બોલાચાલી કે ઝગડા થવા સામાન્ય હોય છે. ત્યારે વિરમગામ અને ઝાલોદ તાલુકાના મીરખેડી ગામમાં મતદાન વખતે મારામારીના દ્રશ્યો દેખાયા હતા. ત્યારબાદ પોલીસને સ્થિતિ કાબુમાં લેવા માટે હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
મળતી માહિતી પ્રમાણે વિરમગામમાં મતદાન દરમિયાન બુથ બહાર મારામારીની ઘટના સામે આવી છે. વિરમગામની એમ.જે સ્કૂલ મતદાન મથકની બહાર ભાજપ અને અપક્ષના જૂથ વચ્ચે મારામારી સર્જાતા પોલીસની ટીમ ઘટનાસ્થળે ધસી ગઇ હતી.
ઘટનાસ્થળે મારામારી અને પથ્થરમારો પણ થયો હતો. જો કે, મામલો ઉગ્ર બનતા પોલીસે હળવો લાઠીચાર્જ પણ કરવાની ફરજ પડી હતી. જો કે બાદમાં સમગ્ર મામલો પોલીસે થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.
તો બીજી બાજુ ઝાલોદ તાલુકાના મીરખેડી ગામે મતદાન દરમિયાન તોડફોડ કરવામાં આવી છે. મતદાન દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને-સામને આવી ગયા હતાં.
જે દરમિયાન ભાજપના કાર્યકરોની ગાડીઓના કાચ ફોડવામાં આવ્યા હતાં. ત્યારે આ મામલો વધારે બિચકતા આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 6 વાગ્યા સુધીમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં 60 ટકાથી વધુ મતદાન નોંધાયું છે. જ્યારે નગરપાલિકામાં પણ મતદાનની ટકાવારી 54થી 55 ટકાની આસપાસ રહી છે.