અમદાવાદઃ જેમ જેમ સોશિયલ મીડિયાનો ઉપયોગ વધતો જાય છે તેમ તેમ મહિલાઓ સાયબર ક્રાઈમનો ભોગ બનતી જાય છે. ત્યારે આવી જ એક ચોંકાવનારી અરજી સાયબર ક્રાઈમ પોલીસ મથકે આવી છે. જેમાં ફરિયાદી પરિણીતાનો કોન્ટેક્ટ નંબર ઈન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટમાં મૂક્યો હતો અને નંબરની બાજુમાં એક કલાકના 40 રૂપિયા એવું લખ્યું હતું. આમ મહિલા ઉપર અનેક કોલ આવતા મહિલા પરેશાન થઈ ગઈ હતી. અને ત્યારબાદ સાયબર ક્રાઈમમાં અરજી આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી.
અમદાવાદ શહેરના મોટેરામાં રહેતી 32 વર્ષીય મહિલાનો પતિ યુપી નોઈડા ખાતે ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે એક કંપનીમાં ફરજ બજાવે છે. જાન્યુઆરી માસમાં આ મહિલા તેમના પતિ પાસે ગયા હતા. ત્યારે ત્યાં તેમના પાડોશમાં એક યુવતી પુરુષ મિત્ર સાથે કઢંગી હાલતમાં ઉભી હતી.
આ મહિલાને ચીડવવા આ બને લોકોએ વધુ હરકતો કરતા મહિલા ઘરમાં જતી રહી હતી. બાદમાં થોડીવાર પછી મહિલા બાલ્કનીમાં કપડા લેવા આવી ત્યારે આ યુવતી અને તેના પુરુષ મિત્રએ બીભત્સ હરકતો કરી હતી. જેથી મહિલાએ તેના પતિને આ બાબતે જાણ કરી અને બાદમાં મહિલા અમદાવાદ આવી ગઈ હતી.
એકાદ માસ બાદ આ મહિલાને તેના પતિ મારફતે જાણ થઈ કે qqueen9468 નામના આઈડી ધારકે આ મહિલાનો ફોન નંબર મૂક્યો છે. બીજા આઈડી પર પણ આ મહિલાનો કોન્ટેક્ટ નંબર કૉમેન્ટમાં મૂકી તેની બાજુમાં 40/-hr. લખ્યું હતું.
લોકોના ફોન આવતા જ મહિલાએ તપાસ કરી તો whatsapp_desi_video આઈડી પેજ પર આ મહિલાનો કૉમેન્ટમાં નંબર હતો. જેથી મહિલાએ આ અંગે સાયબર ક્રાઇમમાં અરજી કરી હતી. મહિલાએ પોલીસ સમક્ષ નોઈડા ખાતે તેની જે પાડોશી હતી કે, જે પૂરૂષ મિત્ર સાથે બીભત્સ વર્તન મહિલાને બતાવવા કરતી હતી તેણે આ હરકત કરી હોવાની શંકા વ્યક્ત કરી છે.
જે બાબતે સાયબર ક્રાઇમે ગુનો નોંધી આ મહિલા વિશે તપાસ શરૂ કરી છે. જો ટેક્નિકલ સર્વેલન્સમાં આ પાડોશી મહિલાએ કરતુત કરી હોવાના પુરાવા હાથ લાગશે તો પોલીસ તેની ધરપકડ કરી કાર્યવાહી કરશે.