ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી ડિસેમ્બર મહિનામા યોજાવાની છે ત્યારે શિક્ષિકામાંથી વડોદરા શહેર–વાડી બેઠક પર ચૂંટણી લડી જીતેલા ભાજપના ધારાસભ્ય મનીષાબેન રાજીવભાઇ વકીલે ગત એપ્રિલ મહિનામાં ખરીદેલો વૈભવી ડુપ્લેક્ષ અને વર્ષ 2012માં તેમણે જાહેર કરેલ કુલ રૂ. 7,12, 288 સંપત્તિના એફિડેવિટ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જે અનુસાર હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા શિક્ષિકાએ ધારાસભ્ય બન્યા બાદ ડુપ્લેક્ષ ખરીદી લીધાનું જણાવાયુ છે.
વર્ષ 2012માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વડોદરાની શહેર-વાડી બેઠક પર વ્યવસાયે ખાનગી શાળામાં શિક્ષિકા એવા ભાજપના કાર્યકર મનીષાબેન રાજીવભાઇ વકીલને ટિકિટ આપવામાં આવી હતી. આ ચૂંટણીમાં મનીષાબેન વકીલનો વિજય થયો હતો અને તેઓ ધારાસભ્ય બન્યા હતાં.
ધારાસભ્ય બન્યા પછી મનીષાબેન વકીલે ન્યુ અલકાપુરી વિસ્તારમાં હાલની બજાર કિંમત પ્રમાણે અંદાજીત રૂ. 1.50 કરોડનો ડુપ્લેક્ષ ખરીદયો અને દસ્તાવેજ માત્ર જમીન સાથેની કિંમતમાં રૂ. 17 લાખનો જ કરવામાં આવ્યો છે. પાંચ વર્ષ પહેલા માત્ર સાત લાખ રૂપિયાની કુલ સંપત્તિ હતી અને ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા હતાં તેવા મનીષાબેન વકીલ ભાજપના ધારાસભ્ય બન્યા બાદ વડોદરાના પોશ વિસ્તાર ગણાતા ન્યૂ અલકાપુરી વિસ્તારમાં એક ડુપ્લેક્ષ ખરીદી લે અને અને તે પણ 17 લાખ રૂપિયાના દસ્તાવેજમાં તે બાબત ઘણી શંકા ઉપજાવે છે કારણ કે વડોદરામાં કોઈપણ વિસ્તારમાં 2 BHKના ફ્લેટનો ભાવ કોઈ વ્યક્તિ જઇને પુછી આવે તો બિલ્ડર 20 લાખ રૂપિયાથી ઓછો નહીં કહે. ત્યારે આ જ ભાવમાં તેમણે ડુપ્લેક્ષ ખરીદી લીધું જે સ્ટેમ્પ ડ્યુટીમાં ચોરી કરાઇ હોવા તરફ શંકા ઉપજાવે છે.
રાજ્ય સરકાર દ્વારા ધારાસભ્યને દર મહિને રૂ. 60,000નુ માનદ વેતન મળે છે, તેની સામે ઓફીસનો ખર્ચ, સ્ટેશનરી ભાડા ભથ્થુ વગેરે જેવો ખર્ચ પણ તેમા જ સામેલ હોય છે, તેની સામે ધારાસભ્યનો અંદાજીત ખર્ચ જ જો રૂ. 1 લાખ જેટલો થતો હોય તો આ ડુપ્લેક્ષ કેવી રીતે ખરીદાયો એ તરફ ભાજપના જ કાર્યકરોએ પ્રદેશ સિમિતિનુ ધ્યાન દોર્યું છે.