સાણંદઃ ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નગરપાલિકા, તાલુકા-જીલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. જેમાં ત્રણે મોરચા ઉપર ભાજપનો ભગવો રંગ છવાયો હતો. કોંગ્રેસના સૂપડાં સાફ થયા હતા. અને આપને એન્ટ્રી મળી હતી. જોકે, ભાજપ માટે ખુશીનો તો કોંગ્રેસ માટે ગમનો દિવસ હતો.
આવી પરિસ્થિતિમાં સાણંદમાંથી એક માંઠા સમાચાર મળ્યા હતા. અહીં સાણંદ તાલુકા પંચાયતના ઉમેદવાર લીલા બહેન ઠાકોરની જીત થઈ હતી. જોકે, દુઃખદ બાબત એ છે કે અહીં પરિણામના આગલા દિવસે એટલે કે સોમવારે જ તેમનું મોત નીપજ્યું હતું. આમ અપક્ષ ઉમેદવાર લીલાબહેન ઠાકોર ચૂંટણીના પરિણામમાં જીત તો મેળવી પરંતુ જિંદગીની જંગમાં હારી ગયા હતા.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામોમાં સાણંદ તાલુકા પંચાયતના પરિણામોની વાત કરીએ તો સાણંદ તાલુકા પંચાયતની ચૂંટણીમાં 24 બેઠકોમાંથી 14 BJPના ફાળામાં તો 9 પર કોંગ્રેસે જીત મેળવી છે.
જો કે રસપ્રદ બાબત એ છે કે આ તમામ પરિણામમાં 1 માત્ર સાણંદ તાલુકા પંચાયતની પીપળ સીટ એવી છે, જેમાં અપક્ષના ઉમેદવારનો વિજય થયો છે. તે અન્ય કોઈએ નહીં પરંતુ લીલા બહેન ઠાકોરે જીતી છે. પરંતું ચુંટણી પરિણામનાં આગલા દિવસે એટલે કે સોમવારે તેમનું અવસાન થયું હતું.
મંગળવારનાં દિવસે જ્યારે સાણંદ તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર કરાયા, ત્યારે જાણવા મળ્યું કે લીલા બહેનને મતદારોએ મત આપીને વિજેતા બનાવ્યા છે. પરંતુ આ જીતનો આનંદ માણી શકવા માટે હયાત ન હતાં. તેમના અવસાનથી સ્થાનિકોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.