પોપ્યુલર કોમેડી શો ખીચડીની નવી સીઝનનો થશે પ્રારંભ એક દશકા પહેલા દર્શકોના દિલ પર રાજ કરનાર પોપ્યુલર કોમેડી શો ખીચડીની બીજી સીઝન ઈન્સ્ટન્ટ ખીચડી વર્ષ 2005માં આવી હતી. હવે ફરીથી આ સિરીયલ ટીવીના પરદે કમબેક કરવાની તૈયારી કરી રહી છે. આ સિરીયલમાં તેની ઓરિજનલ કાસ્ટ અનંગ દેસાઈ, રાજીવ મહેતા, સુપ્રિયા પાઠક, વંદના પાઠક અને જમનાદાસ મજીઠિયા જોવા મળશે. મજીઠિયા આતિશ કાપડિયા સાથે મળીને આ શો પ્રોડ્યુસ પણ કરી રહ્યા છે. આ સિરીયલમાં જૂના પાત્રોને નવા અંદાજમાં રજૂ કરવામાં આવશે અને કેટલાંક નવા આર્ટિસ્ટ્સ પણ શોમાં જોડાશે.
બીજી સિરીયલો વર્ષો સુધી ચાલતી હતી ત્યારે ખિચડી એવો પહેલો શો હતો જે વેસ્ટર્ન શોની માફક સીઝનમાં શરૂ થયો હતો. 2002માં સળંગ બે વર્ષ માટે શો સફળતાથી ચાલ્યો હતો. સેકન્ડ સીઝન 2005માં સ્ટાર વન પર ઈન્સ્ટન્ટ ખીચડીના નામે શરૂ થઈ હતી. પહેલી સીઝનમાં હવેલીમાં રહેતા પારેખ પરિવારના ગાંડપણનો પરિચય અપાયો હતો. આ સાથે જ તેમની સંયુક્ત પરિવારમાંથી છૂટા પડવાની ઈચ્છા, આર્થિક કટોકટી જેવી બાબતોને પણ સારી રીતે આવરી લેવાઈ હતી. જ્યારે બીજી સીઝનમાં તેઓ રાતોરાત લાખોપતિ બની જાય છે અને તે હાઈ સોસાયટીમાં કેવી રીતે ફિટ થવાનો પ્રયત્ન કરે છે તે દર્શાવાયુ હતું. આ બંને સીઝને દર્શકોને પેટ પકડીને હસાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે 1 ઓક્ટોબર 2010માં ખીચડી, ધ મૂવી પણ રીલીઝ થઈ હતી. ટીવી સીરીઝમાંથી ફિલ્મ બનનારી આ પહેલી સિરીયલ છે. આ ફિલ્મ માટે સુપ્રિયા પાઠકને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનું ફિલ્મફેર નોમિનેશન મળ્યું હતું. જો કે હજુ સુધી ટીમે કોઈ ઓફિશિયલી જાહેરાત નથી કરી.