ઉત્તર પ્રદેશઃ ડોક્ટરોને ધરતી પરના ભગવાન ગણવામાં આવે છે. ત્યારે કેટલાક એવા ડોક્ટરો હોય છ જેમની એક ભૂલ દર્દીનું જીવન બર્બાદ કરી દેતી હોય છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો ઉત્તર પ્રદેશમાં બન્યો છે. અહીં એક હિલા ડોક્ટરની બેદરકારીને કારણે એક મહિલાનો જીવ જોખમમાં મુકાયો છે. આ મહિલા ડોક્ટર ઓપરેશન દરમિયાન રુમાલ દર્દીના પેટમાં જ ભુલી ગઇ અને ટાંકા પણ લગાવી દીધા. ત્યારબાદ તે મહિલા દર્દીની હાલત બગડી અને તેના પેટમાં ઇન્ફેક્શન ફેલાયું. આશ્ચર્યની વાત તો એ છે કે તબિયત બગડતા ફરીથી આ ડોક્ટર જ તેની સારવાર કરતી રહી.
જ્યારે દર્દીને ફાયદો ના થયો તો તેણે બીજી ડોક્ટરને બતાવ્યું અને આખી ઘટના સામે આવી. ત્યારબાદ તે મહિલાનું બીજી વખત ઓપરેશન કરીને પેટમાંથી રુમાલ કાઢવામાં આવ્યો. સાથે જ તેના કેટલાક અંગોને પણ કાપીને કાઢવા પડ્યા છે. આમ છતા અત્યારે મહિલાની સ્થતિ ગંભીર છે.
જે ડોક્ટર સિઝેરિયનના ઓપરેશન દરમિયાન પેટમાં રુમાલ ભૂલી ગઇ તેનું નામ ડો. સંગીતા સિંહ છે. જ્યારે ફરી વખત તે દર્દી તેની પાસે આવી તો ડો. સંગીતા તેને ગેસ અને એનીમિયા છે તેમ કહીને સારવાર કરતી રહી. બાદમાં 2 ફેબ્રુઆરીએ રેખા નામની તે મહિલાનું ફરીવખત ઓપરેશન થયું ને તેના પેટમાંથી રુમાલ કાઢવામાં આવ્યો.
આ સારવારના ખર્ચામાં તેનું ખેતર પણ વેચાઇ ગયું છે અને દેવું થઇ ગયું તે વધારાનું. જ્યારે તે અને તેનો પતિ હોસ્પિટલે ફરિયાદ કરવા ગયા તો ડોક્ટરોએ તેમને ધમકાવ્યા. ત્યારબાદ તેઓ પોલીસ પાસે ગયા અને આ ઘટના પ્રકાશમાં આવી. ત્યારબાદ આરોગ્ય પ્રશાસને તપાસના આદેશ આપ્યા છે.