હરહોઈઃ કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે. પ્રેમમાં લોકો ઉંમર, નાત જાત, સંબંધો પણ નથી જોતા. ઉત્તર પ્રદેશમાં પણ એક સગીરા યુવક સાથે પ્રેમમાં હતી. સગીરાના આ પ્રેમનો કરુણ અંજામ આવ્યો છે. પુત્રીને પ્રેમી સાથે વાંધાજનક સ્થિતિમાં જોતા પિતાએ જ પોતાની સગી પુત્રીનું માથું વાઢી નાંખી હત્યા કરી હતી. અને ત્યારબાદ માંથુ લઈને પોલીસ સ્ટેશન તરફ જઈ રહ્યો હતો. આ કમકમાટી ભરી ઘટનાએ સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાવી દીધી હતી. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી હતી.
આ કમકમાટી ભરી ઘટના મંઝિલા પોલીસ સ્ટેશનના પાંડેતારા ગામની છે. અહીં તે સમયે હોબાળો થઈ ગયો જ્યારે ગામના રહેવાસી એક માથાફરેલા પિતા સર્વેશે ધારદાર હથિયારથી પોતાની 17 વર્ષીય દીકરીનું માથું ધડથી અલગ કરી દીધું. ત્યારબાદ દીકરીના લોહીથી ખરડાયેલા માથાને હાથમાં પકડીને તે પગપાળા પોલીસ સ્ટેશન તરફ ચાલવા લાગ્યો. આ ઘટના જેણે જોઈ તે ચોંકી ગયા.
આ કંપાવનારી ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ. આ દરમિયાન રસ્તાથી પસાર થઈ રહેલા પોલીસકર્મીની નજર અચાનક હત્યારા પિતા પર પડી તો તે પણ ચોંકી ગયો. પોલીસકર્મી તેને પોલીસ સ્ટેશન લઈને આવ્યો જ્યાં હત્યારા પિતાએ સમગ્ર ઘટના વર્ણવી. મળતી માહિતી મુજબ દીકરીને પ્રેમ પ્રસંગમાં વાંધાજનક સ્થિતિમાં જોયા બાદ ગુસ્સા પર કાબૂ ન રહેતા પિતાએ દીકરીનું માથું વાઢીને હત્યા કરી દીધી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અધીક્ષક અનુરાગ વત્સ પણ ઘટનાસ્થળે પહોંચ્યા. એસપીએ જણાવ્યું કે મામલામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પોલીસ પૂછપરછમાં આરોપી પિતાએ જણાવ્યું કે તેની દીકરીને પરિવારના જ એક યુવક સાથે અંગત પળો માણતી જોઈ લીધી હતી. ત્યારબાદ દીકરીને અનેકવાર સમજાવી, પરંતુ બંને પોતાની હરકતો બંધ નહોતા કરતા. મળતી માહિતી મુજબ બુધવારે જ્યારે તેની પત્ની ખેતરમાં કામ કરવા ગઈ અને વૃદ્ધ માતા ઘરની બહાર દુકાન પર બેઠી હતી, આ દરમિયાન તેણે દીકરીને રૂમની અંદર બંધ કરી દીધી અને ધારદાર હથિયારથી તેનું માથું વાઢીને અલગ કરી દીધું.