નવી દિલ્હીઃ સામાન્ય રીતે આપણે બધા જાણીએ છીએ કે સરકારી કામમાં કોઈપણ કામ કરાવવા માટે કેટલા ધક્કા ખાવા પડતા હોય છે. જોકે, લોકોને ધક્કામંથી મૂક્તિ અપાવવા માટે સરકાર હવે ડિજિટલ પ્રણાલી તરફ વળી છે. મોટાભાગના કામ હવે ઘરે બેઠા ઓનલાઈન કરી શકીએ છીએ ત્યારે હવે આરટીઓના કામમાં પણ આવું જ કંઈક થયું છે. ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરાવવું હોય કે પછી લર્નિગ લાઇસન્સ મેળવવું હોય તો હવે આરટીઓના ધક્કા ખાવાની જરૂર નથી. હવે આધારકાર્ડ ઓથેન્ટિકેશનથી જ તમારું આ કામ પુરું થઇ જશે.
ભારત સરકારના રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલયે ચોથી માર્ચના રોજ આધારકાર્ડ ઑથેન્ટિકેશન આધારિત કૉન્ટેક્ટલેસ સેવા (Cotactless Services)ઓ શરૂ કરી છે. જે અંતર્ગત હવેથી ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરાવવા, ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ, રજિસ્ટ્રેશન અરજી સહિતના કામો માટે આર.ટી.ઓ કચેરી ખાતે જવાની જરૂર નહીં રહે. આ માટે ઓળખ તરીકે આધારકાર્ડનો ઉપયોગ કરવામાં આવશે. આનાથી આર.ટી.ઓના કામોમાં વધારે પારદર્શકતા આવશે અને કામગીરી ખૂબ સરળ બનશે. આનાથી અરજીકર્તા વચ્ચે કોઈ જ વ્યક્તિને રાખ્યા વગર જાતે જ કોઈ વિઘ્ન વગર પોતાનું કામ કરી શકશે.
મંત્રાલય તરફથી આ માટે બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, “જો કોઈ વ્યક્તિ કૉન્ટેક્ટલેસ સેવાનો લાભ લેવા માંગતી હોય તેણે આધાર ઑથેન્ટિકેશનમાંથી પસાર થવું પડશે. જે બાદમાં તેઓ મંત્રાલયના પોર્ટલ મારફતે વિવિધ કામ આર.ટી.ઓ. કચેરીને મુલાકાત લીધા વગર જ કરી શકશે.”
પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, “આધાર કાર્ડ વ્યક્તિગત રીતે આપવામાં આવે છે. આથી જે લોકો આધાર એનરોલમેન્ટ આઈડી સ્લીપ આપશે તેમને વિવિધ કૉન્ટેક્ટલેસ સેવા આપવામાં આવશે.”
આધાર ઑથેન્ટિકેશન મારફતે દેશના નાગરિકો નીચેની સેવાનો લાભ RTOની મુલાકાત લીધા વગર એટલે કે કૉન્ટેક્ટલેસ ઉઠાવી શકશે:
-લર્નિંગ લાઇસન્સ.
-ડ્રાઇવિંગ લાઇન્સ રિન્યૂ કરાવવું (ડ્રાઇવિંગ ટેસ્ટ જરૂરી ન હોય તેવા કેસમાં)
-ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ
-ડ્રાઇવિંગ લાઇસન્સમાં સરનામું બદલવું અને સર્ટિફિકેટ રજિસ્ટ્રેશન
-ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ
-લાઇસન્સમાંથી વ્હીકલ ક્લાસ સરન્ડર કરવું
-મોટર વ્હીકલ માટે ટેમ્પરરી રજિસ્ટ્રેશન અરજી
-ફૂલ બોડી સાથેના મોટર વ્હીકલ માટે રજીસ્ટ્રેશન અરજી
-ડુપ્લિકેટ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ માટે અરજી કરવી
-રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ માટે NOCની અરજી
-મોટર વ્હીકલના માલિકી હકમાં ફેરફાર માટેની નોટિસ
– વાહનની માલિકીની ફેરબદલી માટે અરજી કરવી
-રજીસ્ટ્રેશન સર્ટિફિકેટમાં સરનામું બદલવા માટે જાણ કરવી
-માન્યતા પ્રાપ્ત ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટરમાં તાલિમની નોંધણી માટે અરજી કરવી
-ડિપ્લોમેટિક ઑફિસરના વાહનની નોંધણી માટે અરજી કરવી