સુરત: ઓડિયો વાયરલ કેસમાં સુમુલના ડિરેક્ટરોની પૂછપરછ
સુરતની પ્રખ્યાત સુમુલ ડેરીમાં ફરી એક વખત રાજકારણ ઘૂમરાયું છે અને નોબત પોલીસ ફરિયાદ પહોંચી ગઈ છે. સુમુલ ડેરીના એમડી દ્વારા કરવામા આવેલી ફરિયાદના અનુસંધાનમાં સુરત ક્રાઈમ બ્રાંચે સુમુલના ચાર ડિરેક્ટરોને તપાસ કરવા તેડું મોકલ્યું હતું અને ચારેય ડિરેક્ટરો ક્રાઈમ બ્રાંચની ઓફિસે પહોચ્યા હતા ત્યારે ડિરેક્ટરો પૈકી એક ડિરેક્ટરે કેટલાક ગંભીર આક્ષેપો પણ કર્યા હતા.
વિગતો મુજબ સુમુલની બોર્ડ મિટીંગની ઓડિયો ક્લિપ વાયરલ કરવામાં આવી હતી. આ ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ ફરિયાદ કરવામાં આવી હતી.સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે. સુમુલના ચાર ડિરેક્ટરો પૈકી કાંતિ ગામી, રેસા ચૌધરી ,ભરત પટેલ અને સુનીલ ગામીતને હાજર થવા માટે સમન્સ મોકલવામાં આવ્યા હતા.
બોર્ડ બેઠકના ઓડિયો પુરાવા રૂપે હોવાનું સ્વીકારનારા ડિરેક્ટરો હાજર થયા હતા.
બોર્ડની બેઠકમાં થયેલી ચર્ચાનું બે કલાક સાત મિનિટનું રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું,આ ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાંચ સમક્ષ ડિરેક્ટરો તેમના વકીલ સાથે હાજર થયા હતા.
ચાર ડિરેક્ટરો સામે ફરિયાદ કરનાર સુમુલ ડેરીના મેનેજિગ ડિરેક્ટર અરુણ પુરોહિતનું પણ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નિવેદન લેવામાં આવ્યું હતું.
સુમુલના ડિરેક્ટર ભરત પટેલ નિવેદન નોંધાવવા સુરત ક્રાઈમ બ્રાન્ચ પહોંચ્યા અને તેમણે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે મને ખોટી રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. મેં ઓડિયો વાયરલ કર્યો નથી અને મને શંકાનાં આધારે બોલાવાયો છે. એમડી એ અરજી કરતા મને બોલાવવા આવ્યો છે.
બોર્ડની મિટિંગનો ઓડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું છે અને ગુનાહિત પ્રવુતિ કરી છે
તેવા આક્ષેપ સાથેની અરજી મેનેજિગ ડિરેક્ટર અરુણ પુરોહિતે કરી છે,
સુમુલના ડિરેક્ટર ભરત પટેલે વધુમાં કહ્યું કે પોલીસને જે જવાબ આપવાના છે,તે અમારા વકીલ સાથે આપ્યા છે, આદિવાસી સમાજની રેલીમાં નોકરીના પ્રશ્ન મુદ્દે અમે ચાર લોકો જોડાયા હતા, રેલીમાં જોડાતા અમોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. કોઈ સંસ્થાને કોઈ પણ પ્રકારનું નુકશાન થાય તેવું ઓડિયોમાં નથી. જનતા સમજી શકે છે રેસા ચોધરી અને હું આજે ક્રાઈમ બ્રાન્ચ આવ્યા છે અને વકીલ મારફતે જવાબ આપ્યો છે.
તેમણે કહ્યું કે જે સત્ય હશે તે સત્ય અને જે ખોટું હશે તે ખોટું બહાર આવશે. આદિવાસી સમાજની બહેનોને પાંચ વર્ષ સુધી કામ કરાવી છૂટી કરી દેવામાં આવી હતી,જે પ્રશ્ન અમે ઉઠાવ્યો હતો, જેનો દ્વેષ ભાવ રાખી ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.