નવી દિલ્હીઃ પૂર્વી લદ્દાખની ભારત અને ચીન બોર્ડર ઉપર થયેલા ઘર્ષણ બાદ ચીન અને ભારતની સરહદે તણાવની સ્થિતિ મહિનાઓ સુધી રહી હતી. જોકે, બંને તરફથી અનેક વાર્તાઓ બાદ તણાવની સ્થિતિ હળવી થઈ હતી. ચીને પોતાના સૈન્યને પાછું હટાવવાની વાત જણાવી હતી. ભારત અને ચીનની સરહદ વચ્ચે શાંતિના દાવાઓ પોકળ નીકળતી નવી માહિતી બહાર આવી છે. ભારત સરકાર દાવો કરે છે કે ચીને મે-2020માં લદ્દાખ એલએસી પર જ્યાં કબજો જમાવ્યો હતો ત્યાંથી એ પાછું ખસી ગયું છે.
ઈન્ડો-પેસેફિક કમાન્ડના અમેરિકી ઊચ્ચ લશ્કરી અધિકારી એડમિરલ ફિલિપ ડેવિડસને અમેરિકી સંસદ સમક્ષ અલગ નિવેદન આપ્યું હતું. સર્વોચ્ચ નૌકા અધિકારી એડમિરલ ડેવિડનસે કહ્યુ હતુ કે એલએસી પર ચીને ભારતના વિસ્તારો પર જ્યાં કબજો જમાવ્યો હતો એ બધા સ્થળોએથી તેનું સૈન્ય પાછું ખસ્યું નથી.
અમેરિકી સંસદ સમક્ષ એડમિરલે આ બયાન આપ્યું હતું, જે સત્તાવાર રેકોર્ડમાં રહે અને પુરતા આધાર પુરાવા વગર ત્યાં કશું કહી પણ ન શકાય. મે-૨૦૨૦માં ચીને ગલવાન ખીણ, પેંગોગ સરોવર કાંઠો વગેરે વિસ્તારમાં અડિંગો જમાવ્યો હતો.
ભારતીય સૈન્ય સાથે તેને જીવલેણ સંઘર્ષ પણ થયો. એ વાતને દસ મહિના પછી ચીને પોતાનું સૈન્ય પાછું ખેંચી લીધું છે અને એટલે ભારતે પણ એ વિસ્તાર ખાલી કરી આપ્યો છે.
એડમિરલે વધુમાં કહ્યું હતું કે સંઘર્ષ દરમિયાન અમેરિકાએ ભારતને કેટલીક વ્યુહાત્મક રીતે મહત્ત્વની માહિતી પુરી પાડી હતી. તો વળી શિયાળામાં પંદરેક હજાર ફીટ ઊંચી સરહદે ભારતીય સૈનિકોને ઠંડી સામે રક્ષણ આપી શકે એવા વસ્ત્રોની તાત્કાલીક જરૃર પડી હતી.
એવા વસ્ત્રો અમેરિકાએ તુરંત પુરા પાડયા હતા. એડમિરલે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે ભારત હોય કે અન્ય કોઈ પણ દેશ હોય ચીનનો સ્પષ્ટ ઈરાદો પડોશી દેશો પર અતિક્રમણ કરવાનો જ છે. માટે ચીન શાંતિની વાતો કરે તો તેને પણ ગંભીરતાથી લઈ શકાય નહીં.
તેમણે કહ્યુ હતુ કે આગામી પાંચ-છ વર્ષમાં જ ચીન તાઈવાન પર સંપૂર્ણ કબજો જમાવે એવી તૈયારીમાં પડયું છે. ડેવિડસને ઉમેર્યું હતું કે આપણા માટે સૌથી મોટો ખતરો કોઈ હોય તો એ ચીન જ છે. અમેરિકાએ એ માટે તૈયાર રહેવું જોઈએ.