સેલવાસઃ ગુજરાતના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાંથી હત્યાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં ચાર વર્ષની બાળકીની હત્યા કરાયેલી હાલતમાં કોથળામાંથી મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઈ હતી. ગુમ થયાલે બાળકીની મૃતદેહ મળતાં પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. આ અંગે પોલીસે જાણ કરતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગળવી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી પ્રમાણે નરોલી વિસ્તારના એક એપાર્ટમેન્ટમાં રહેતા એક પરિવારની ચાર વર્ષની બાળકી બપોરના સમયે અચાનક ગુમ થઇ ગઇ હતી. થોડા સમય સુધી બાળકી ઘરે નહીં આવતા તેના પરિવારજનોને આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી હતી. ત્રણથી ચાર કલાકની શોધખોળ બાદ પણ બાળકીનો કોઈ પત્તો નહી મળી આવતા આખરે પરિવારે પોલીસને જાણ કરી હતી.
ઘટનાની ગંભીરતા જોઈ તાત્કાલિક પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પરિવાર સાથે પોલીસે પણ ગુમ બાળકીને શોધવા તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે, બાળકી બપોરના સમયે અન્ય બાળકીઓ સાથે રમી રહી હતી. પરંતુ ઘરથી ક્યાંય દૂર ગઇ ન હતી. જે બાદ પોલીસે બાળકીનો પરિવાર જે બિલ્ડીંગમાં રહેતો હતો એ બિલ્ડિંગના તમામ ફ્લેટની તપાસ હાથ ધરી હતી. આ દરમ્યાન બાળકીના પડોશમાં જ રહેતા એક વ્યક્તિના ફ્લેટમાં પણ પોલીસે તપાસ હાથ ધરી હતી. પરંતુ ફ્લેટમાં કંઈ મળી આવ્યું ન હતું. જોકે, એ ફ્લેટની બાથરૂમની બારીના કાચ તૂટેલા હતા આથી પોલીસને આશંકા ગઈ હતી.
પોલીસે પ્રાથમિક તબક્કે, આ મામલામાં બાળકીના પડોશીની શંકાના આધારે અટકાયત કરી હતી. ઘટનાની જાણ થતાં અને ઘટનાની ગંભીરતા જોતા પ્રદેશ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. માત્ર ચાર વર્ષની માસૂમ બાળકીની હત્યા કરાયેલી હાલતમાં કોથળામાંથી મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારના લોકોમાં રોષ ભભૂકી ઉઠયો હતો.
એક સમયે ટોળાએ પોલીસે અટકાયત કરેલા શકમંદ ને માર મારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ભારે જહેમત બાદ પોલીસે અટકાયત કરેલા શકમંદને લઈ અને ત્યાંથી પોલીસ સ્ટેશન આવી હતી.
બાળકીની તિક્ષણ હથિયારના ઘા ઝીંકી અને હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. બાળકી સાથે કંઈ અજુગતું પણ થયું હોવાની આશંકાએ પોલીસે બાળકીનો મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દીધો છે. કરવા સહિતની જરૂરી ઊંડાણપૂર્વકતપાસ હાથ ધરી છે. પોલીસે પણ સમગ્ર મામલાને ગંભીરતાથી લઇ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.