મોદી સરકારની યોજનાઓને રાખડીમાં દર્શાવવાનો પ્રયાસ
ભાઈ-બહેનના પ્રેમના પાવન તહેવાર રક્ષાબંધન નિમિતે અમદાવાદ શહેરના ભૂયંગદેવ વિસ્તારમાં આવેલી સાધના વિનય મંદિર શાળાની વિદ્યાર્થીનીઓએ એક અનોખી રચના કરી છે. ઓપરેશન સિંદૂર થીમ આધારિત અને પીએમ મોદી સરકારના 11 વર્ષના સુશાસનના યશગાન સમાવતી 100 ફૂટ લાંબી રાખડીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ રાખડી વિદ્યાર્થીઓની મહેનતનું જીવંત ઉદાહરણ બની છે.
છેલ્લા 19 વર્ષથી થીમ આધારિત રાખડી બનાવવાની પરંપરા
શાળામાં છેલ્લા 19 વર્ષથી રક્ષાબંધનના તહેવાર નિમિતે અલગ અલગ વિષય પર રાખડી બનાવવાની પરંપરા છે. આ વર્ષે બનાવવામાં આવેલી રાખડી ખાસ ચર્ચાનું કેન્દ્ર બની છે કારણ કે તેમાં દેશભક્તિ સાથે સમકાલીન ઘટનાઓને પણ સમાવવામાં આવી છે.
શૌર્ય અને સરકારની યોજનાઓને મઢેલી રાખડી
તાજેતરમાં જ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સેના દ્વારા આપેલ જવાબને પણ આ રાખડીમાં દર્શાવવામાં આવી છે. સાથે સાથે મોદી સરકારની 11 મુખ્ય યોજનાઓ જેમ કે જનધન યોજના, મુદ્રા યોજના, ઉજ્જવલા યોજના, નારી વંદના યોજના જેવી યોજનાઓને પણ રાખડીમાં સમાવિષ્ટ કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓની 12 દિવસની અવિરત મહેનત
શાળાના મેનેજિંગ ડિરેક્ટર દેવાંગીબેન મુજબ, આ રાખડી બનાવવા માટે લગભગ 15થી 20 વિદ્યાર્થીનીઓએ 12 દિવસ સુધી સતત મહેનત કરી છે. દરેક વિદ્યાર્થીનીએ પોતાનું યોગદાન આપી રાખડીને સુંદરતા અને અર્થવત્તા આપી છે.
મુખ્યમંત્રીને અર્પણ થશે રાખડી
આ વિશિષ્ટ રાખડી રક્ષાબંધનના દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અર્પણ કરવામાં આવશે. અગાઉ પણ શાળાના વિદ્યાર્થીઓએ ભાગવત ગીતના શ્લોકો પર આધારિત રાખડી બનાવી હતી તથા કોરોના મહામારી દરમિયાન પણ યાદગાર થીમ પર રાખડી તૈયાર કરવામાં આવી હતી.
સરહદે સેવાકાર્ય પણ
આ શાળાની વિદ્યાર્થીનીઓ દર વર્ષે દેશની સીમાએ જતાં જવાનોને રાખડી બાંધે છે અને તેમના લાંબા આયુષ્ય માટે શુભેચ્છાઓ પાઠવે છે. દેશભક્તિથી આ પ્રવૃત્તિપૂર્ણ કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રસ્નેહ અને સેવાભાવના વધારે છે.