યુએસ ટેરિફ વિવાદ: ‘અમેરિકા ભારતને બ્લેકમેલ કરી રહ્યું છે’ – કોંગ્રેસનો ટ્રમ્પ સામે ગુસ્સો
અમેરિકા દ્વારા ભારત પરથી થતી આયાત પર વધારાનો 25% ટેરિફ લાદવા નિર્ણયને લઈને દેશની રાજકીય પ્રતિક્રિયાઓ પણ ઉગ્ર બની છે. કોંગ્રેસના નેતા પવન ખેરાએ આ પગલાની તીવ્ર નિંદા કરતા કહ્યું કે, “અમે એવી સ્થિતિમાં પહોંચી ગયા છીએ જ્યાં અમેરિકા આપણને બ્લેકમેલ કરી રહ્યું છે. ભારતે ક્યારેય આવી બ્લેકમેલિંગ સામે ઝૂકવાનો ઈતિહાસ નથી રાખ્યો.”
ખેરાએ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા 11 વર્ષમાં દેશના હિતો કરતાં પોતાની છબી વધારે મહત્વની માનવી છે. “આવાજે વિવાદોમાં ઈન્દિરા ગાંધીનો સમય યાદ કરવો જોઈએ, જ્યારે ભારત નમતું નહતું. હવે મોદીજીને પણ હિંમત બતાવી જોઈએ અને દેશના હિતમાં મજબૂત રીતે ઊભા રહેવું જોઈએ,” એમ તેમણે ઉમેર્યું.
અમેરિકાનો પગલું યુક્રેન યુદ્ધના સંદર્ભમાં
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 6 ઓગસ્ટ, 2025ના રોજ ભારત પર વધારાની 25% આયાત ડ્યુટી લાગુ કરવાનો આદેશ આપ્યો હતો. વ્હાઇટ હાઉસે સ્પષ્ટ કર્યું છે કે આ પગલું યુક્રેન યુદ્ધના સંદર્ભમાં રશિયા સામે લાગુ કરાયેલા પ્રતિબંધોને વધુ અસરકારક બનાવવા માટે લેવામાં આવ્યું છે. ભારત દ્વારા રશિયાથી ક્રૂડ ઓઇલની આયાત ચાલુ રાખવી, અમેરિકાના દૃષ્ટિકોણથી સમસ્યાજનક માનવામાં આવી રહી છે.
ભારતની પ્રતિક્રિયા – ‘દુર્ભાગ્યપૂર્ણ નિર્ણય’
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે અમેરિકા દ્વારા લાગુ કરાયેલા ટેરિફને “દુર્ભાગ્યપૂર્ણ” ગણાવ્યા છે. તેમણે જણાવ્યું કે, “ભારત તેના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે કટિબદ્ધ છે.” જયસ્વાલે ઉમેર્યું કે ભારતની આયાત બજાર આધારિત છે અને તે 1.4 અબજ લોકોની ઊર્જા જરૂરિયાતો પૂરાં કરવા માટે જરૂરી છે.
આ ઘટનાક્રમથી સ્પષ્ટ છે કે ભારત-અમેરિકા સંબંધો એક નવા તણાવના તબક્કામાં પ્રવેશી રહ્યા છે, જ્યાં વ્યાપારિક નિર્ણયો હવે ભૂ-રાજકીય દબાણ અને રાષ્ટ્રીય હિતોની વચ્ચે સંઘર્ષ બની રહ્યા છે.