મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતની ફિલ્મ થલાઈવીનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ દિગવંત રાજનેતાં અને તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાના જીવન પર બનાવવામાં આવી છે. ટ્રેલર ખૂબ જ દમદાર છે અને તેમાં કંગના બીલકુલ જયલલિતા જેવી લાગે છે.
ત્રણ મિનિટ 22 સેકન્ડના આ ટ્રેલરમાં જયલલિતાની અભિનેત્રી બનવાની અને તેના રાજકારણના પગલા સુધીની ઝલક બતાવવામાં આવી છે. ટ્રેલરમાં સંવાદો એકદમ દમદાર છે.
ટ્રેલરની શરૂઆત આ લાઇનથી થાય છે – તે ફિલ્મવાળી આપણને કહેશે કે રાજકારણ કેવી રીતે થાય છે? તે પછી બીજો અવાજ આવે છે – આ મર્દોની દુનિયા છે અને આપણે સ્ત્રીને આગળ કરીને ઉભા છીએ. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે જયલલિતાને અભિનયથી લઈને રાજકારણ સુધીની સફરમાં કેવી સ્થિતિમાંથી પસાર થવું પડ્યું હતું.
આ ફિલ્મ હિન્દી સિવાય તમિલ અને તેલુગુમાં પણ રજૂ કરવામાં આવશે. આ ફિલ્મનું નિર્દેશન એ.એલ. વિજય દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં અરવિંદ સ્વામી, પ્રકાશ રાજ, મધુ અને ભાગ્યશ્રી પણ મુખ્ય ભૂમિકામાં છે.
આપને જણાવી દઈએ કે કંગનાએ જયલલિતાના પાત્રને જીવંત બનાવવા માટે તેનું વજન લગભગ 20 કિલો વધાર્યું હતું. કંગનાનું આ શારીરિક પરિવર્તન પણ સમાચારોમાં હતું.
ફિલ્મ ‘થલાઈવી’ 23 એપ્રિલે થિયેટરોમાં રિલીઝ થશે.