નવી દિલ્હીઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પત્યા બાદ હવે આસામ અને પશ્વિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ છે ત્યારે આજે શનિવારે સવારથી પશ્વિમ બંગાળ અને આસામ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થયું છે. આ ચૂંટણીમાં અનેક રાજકીય નેતાઓનું ભવિષ્ય ઈવીએમમાં કેદ થશે. બંને રાજ્યમાં પ્રથમ તબક્કામાં નોંધાયેલા મતદારોનો સંખ્યા 1.54 કરોડથી વધારે છે.
પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કામાં 30 વિધાનસભા બેઠક પર મતદાન થઈ રહ્યું છે. જેમાંથી મોટાભાગની બેઠકો એક સમયે નક્સલ પ્રભાવ હેઠળ રહેલા જંગલમહલ વિસ્તારમાં આવે છે. આથી તમામની નજર આ વિસ્તારમાં થઈ રહેલા મતદાન પર છે.
બીજી તરફ પીએમ મોદીએ બંને રાજ્યના મતદારોને પોતાના મતાધીકારનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. પીએમ મોદીએ આસામ અને બંગાળ બંને માટે અલગ અલગ ટ્વીટ કરીને લોકોને મોટા પ્રમાણમાં મતદાન કરવાની અપીલ કરી છે.
આસામ વિધાનસભાની 126 બેઠકમાંથી આજે 47 બેઠક પર મતદાન થઈ રહ્યું છે. પ્રથમ તબક્કામાં મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ, વિધાનસભાના અધ્યક્ષ હીરેન્દ્રનાથ ગોસ્વામી અને આસાસ પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ રિપુન બોરાની કિસ્મત દાવ પર છે. આ ઉપરાંત સત્તાધારી ભાજપ તથા આસામ ગણ પરિષદના અનેક મંત્રીઓનું કિસ્મત પ્રથમ તબક્કામાં ઈવીએમમાં કેદ થશે.
આસામમાં આ તબક્કામાં મોટાભાગની બેઠક સત્તાધારી ભાજપ-એજીપી ગઠબંધન, કૉંગ્રેસના વડપણ હેઠળનું વિપક્ષ મહાગઠબંધન અને નવરચિત આસામ જાતીય પરિષ્દ (એજેપી) વચ્ચે ત્રિકોણીય જંગ થવાનો અંદાજ છે. આ માટે મતદાન સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી ચાલશે. કોવિડના નિયમોનું પાલન કરવાની સાથે સાથે આ બંને જગ્યાએ મતદાન થઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં સત્તાધારી તૃણમૂલ કૉંગ્રેસને આ વખતે ભારતીય જનતા પાર્ટી કાંટાની ટક્કર આપી રહી છે. રાજ્યમાં 274 વિધાનસભાની બેઠક માટે 27મી માર્ચથી 29 એપ્રિલ વચ્ચે આઠ તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં ફક્ત પાંચ જિલ્લાની 30 બેઠક માટે મતદન યોજાયું છે.