મુંબઈ : બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે ફિલ્મ ‘અતરંગી રે’ના શૂટિંગ અંગેની માહિતી તેના ચાહકો સાથે શેર કરી છે. શૂટિંગના અંતિમ દિવસે તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો. આ ફોટામાં અક્ષય જાદુગરના ગેટઅપમાં જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે આ ફિલ્મ સાથે અક્ષય કુમાર, સારા અલી ખાન અને દક્ષિણ અભિનેતા ધનુષ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
અક્ષયે ઇંસ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો શેર કરતાં લખ્યું કે, “અતરંગી રે’ના શૂટિંગનો આજે અંતિમ દિવસ છે. હું હવે આનંદ એલ રાયની ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. મારા સાથી કલાકારો ધનુષ અને સારાને પણ આ ફિલ્મની શુભેચ્છાઓ. ” આ સિવાય અક્ષયે આ ફિલ્મના લેખક હિમાંશુ શર્મા અને મ્યુઝિક કમ્પોઝર એ.આર. રહેમાનનો આભાર પણ માન્યો છે.
અક્ષય-ધનુષ પહેલી વાર સાથે આવશે
આ પહેલીવાર છે જ્યારે અક્ષય દક્ષિણના પ્રખ્યાત અભિનેતા ધનુષ સાથે જોવા મળશે. રિપોર્ટ્સ અનુસાર, અગાઉ આનંદ એલ રાયે ઋત્વિક રોશનને અક્ષયની ભૂમિકા આપી હતી, પરંતુ ઋત્વિકે આ ફિલ્મમાં કામ ન કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી આનંદે અક્ષયને આ ભૂમિકાની ઓફર કરી. આ ફિલ્મમાં સારા અલી ખાન પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. સારા પણ આ ફિલ્મ માટે ખૂબ ઉત્સાહિત લાગી રહી છે.