રાજકોટઃ પતિ પત્ની વચ્ચે ઘર કંકાસના કારણે ઝગડા થવા સામાન્ય બની જાય છે. જોકે મહિલાઓને રક્ષણ આપવા માટે અભયમ સેવા કાર્યરત છે. પીડિત મહિલાઓ અભયમની મદદ લઈ પોતાના ઉપર થતાં અત્યાચારોથી બચી શકે છે. જોકે, અભયમ સામે ક્યારેક વિચિત્ર કિસ્સાઓ પણ સામે આવતા હોય છે. આવો જ એક કિસ્સો રાજકોટ શહેરમાં આ જ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે.
રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં રહેતી જાનકી નામની (નામ બદલ્યું છે) મહિલાએ દસ વર્ષ પૂર્વે પ્રેમ લગ્ન કર્યા હતા. છેલ્લા કેટલાય સમયથી મહિલાને તેના પતિ વચ્ચે નાની નાની બાબતોમાં ઝઘડા થતાં હોવાના કારણે મહિલાએ છૂટાછેડા લેવાની માંગ કરી હતી. ત્યારે સમગ્ર મામલે મહિલાએ 181 અભયમની ટીમને જાણ કરી હતી જે અંતર્ગત 181- અભયમની ટીમ દ્વારા મહિલા અને તેના પતિનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.
કાઉન્સેલિંગ દરમિયાન 181ની ટીમ દ્વારા મહિલાને પૂછવામાં આવ્યું હતું કે, તમારે શું જોઈએ છે. ત્યારે મહિલાએ પોતાનું એક લીસ્ટ જાહેર કર્યું હતું. જેમાં સારો ફ્લેટ, વોશિંગ મશીન, ઘરઘંટી તેમ જ ઘરનો તમામ વ્યવહાર એટલે કે હિસાબ પણ પોતાની પાસે રાખે તેવી માંગ કરી હતી.
તેમ જ ઘરમાં તેમની સાથે તેમના સાસુ રહે છે તે સાસુંને પણ બીજે મોકલી આપવામાં આવે તેવી પણ માંગ કરી હતી. તેમજ પિયરમાં જેટલી પણ સુખ સુવિધા છે તે જ પ્રકારની સુખ સુવિધા સાસરિયામાં પણ જોઇશે તેવી માંગ કરી હતી.
બીજી તરફ 181ની ટીમને જાનકીના પતિ રોશને (નામ બદલ્યું છે) જણાવ્યું હતું કે, તે હાલ નોકરી કરે છે થોડા સમયમાં જ તે ફલેટ લેવાનો છે. જેના માટે તેને હાલ થોડો સમય જોઈએ છે. 181ની ટીમ દ્વારા જાનકીનું કાઉન્સેલિંગ કરી તેને સમજાવવામાં આવી હતી. તેના પતિની આવક મર્યાદા શું છે? જાનકી પોતે નોકરી કરે તો નવી આવક ઊભી થઈ શકે તેમ છે.