નવી દિલ્હીઃ ભારતીય ફિલ્મ જગતમાં દાદા સાહેબ ફાળકે એવોર્ડ સૌથી મોટો અને પ્રતિષ્ઠીત ગણાય છે. ત્યારે સાઉથના સુપર સ્ટાર રજનીકાંતને આ એવોર્ડ મળશે એવી જાહેરાત થઈ છે. આ સમાચારના પગલે રજનીકાંતના ચાહકોમાં ખુશીની લહેર ફેલાઈ છે.
ગુરુવારે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ‘દાદા સાહેબ ફાળકે અવોર્ડ’ની જાહેરાત કરી છે. દક્ષિણની ફિલ્મોનાં સુપરસ્ટાર રજનીકાંતને ફિલ્મી જગતનાં સૌથી મોટા અવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ‘છેલ્લા 5 દાયકાથી રજનીકાંત ફિલ્મી જગત પર રાજ કરી રહ્યા છે અને લોકોને મનોરંજન પણ પૂરું પાડી રહ્યા છે. આ જ કારણે જ્યુરીએ તેમને દાદા સાહેબ ફાળકે અવોર્ડ આપવાનો નિર્ણય લીધો છે.’
રજનીકાંતને 51મો દાદા સાહેબ ફાળકે અવોર્ડ 3 મેના રોજ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રજનીકાંતે સાઉથની અને બોલિવૂડની અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. અને તેમણે અનેક સુપરહિટ ફિલ્મો પણ ફિલ્મજગતને આપી છે.