નવી દિલ્હી : રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવ 5-6 એપ્રિલના રોજ ભારતની મુલાકાતે આવશે. રશિયન વિદેશ મંત્રાલયે 1 એપ્રિલે આ વિશે સત્તાવાર માહિતી આપી હતી. સર્ગેઈ લાવરોવ ભારતીય વિદેશ પ્રધાન એસ. કે. જયશંકરને મળશે. આ સમય દરમિયાન દ્વિપક્ષીય પ્રાદેશિક બાબતો પર વિચાર કરવામાં આવશે અને આગામી સમિટના એજન્ડા પર પણ ચર્ચા કરવામાં આવશે. ભારતની મુલાકાત બાદ રશિયન વિદેશમંત્રી 6 – 7 એપ્રિલે પાકિસ્તાનની પણ મુલાકાત લેશે.
ચર્ચા આગામી સમિટના એજન્ડા પર રહેશે
દ્વિપક્ષીય પ્રાદેશિક બાબતો પર ચર્ચા કરવા સર્ગેઈ લાવરોવ ભારતીય વિદેશ પ્રધાન એસ જયશંકરને મળશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન વચ્ચે ભાવિ સમિટ પહેલાં રશિયન વિદેશમંત્રીની મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગયા વર્ષે કોરોના રોગચાળાને કારણે આ શિખર સંમેલન યોજવામાં આવ્યું ન હતું.
પાકિસ્તાન સાથે રશિયાની મિત્રતા વધી રહી છે
પાકિસ્તાનની તેમની મુલાકાત દરમિયાન રશિયન વિદેશમંત્રી ઇસ્લામાબાદમાં પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મેહમુદ કુરેશીને મળશે. રશિયાના વિદેશ મંત્રાલયના સત્તાવાર ટ્વિટ મુજબ, બંને વિદેશ પ્રધાનો આર્થિક સહયોગ, આતંકવાદ વિરોધી સહિતના અનેક દ્વિપક્ષીય મુદ્દા પર ચર્ચા કરશે. રશિયા પાકિસ્તાન સાથેના તેના સંબંધોને મજબૂત કરી રહ્યું છે. લશ્કરી ક્ષેત્રમાં પણ રશિયા અને પાકિસ્તાન વચ્ચે સહયોગ વધી રહ્યો છે. જોકે રશિયાએ ઘણી વાર ખાતરી આપી છે કે આનાથી ભારતની સુરક્ષાને કોઈ ખતરો નથી.
તાજેતરમાં રશિયન વિદેશમંત્રી ચીનની મુલાકાત પણ કરી હતી. આ સમય દરમિયાન તેઓ ચીનના વિદેશમંત્રીને મળ્યા હતા. નોંધનીય છે કે, ચીન અને રશિયાની નિકટતા યુ.એસ.ને પસંદ નથી.