સુરત,
સુરતમાં કોરોનાની સ્થિતિ અતિ ગંભીર બની ગઇ છે અને રોજ સંખ્યાબંધ મોત થઈ રહ્યા છે. સુરતમાં કોરોનાના વાયરસનો કહેર યથાવત રહ્યો છે. તંત્રની કર્મચારીઓની ખોટ નજરે આવી રહી છે. જેને કારણે મહાનગર પાલિકાના કર્મચારી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો પર એક નવી જવાબદારી સોંપવામાં આવી છે. પાલિકાએ કર્મચારીઓના ઓર્ડર સ્મશાનમાં કર્યા છે, જ્યાં ૨૪ કલાક ફરજ બજાવીને મૃતદેહની ગણતરી કરવી પડશે.
કોરોનાનું ડરામણું ચિત્ર સામે આવી રહ્યું છે. સુરતમાં મરણાંક વધી જતાં, ત્યાંના સ્મશાનોમાં મૃતકની અંતિમક્રિયા માટે કલાકોનું વેઇટિંગ છે. જાેકે, સુરતમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા દર્દી તથા કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે વૃદ્ધોની થયેલી અંતિમવિધિના આંકડા વચ્ચે ભારે વિસંગતતા છે. આ અંગેનો વિવાદ થતાં હવે મહાનગરપાલિકાએ સ્મશાનગૃહમાં કર્મચારીઓને બેસાડવાનો ર્નિણય કર્યો છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા સ્મશાનગૃહમાં કર્મચારીઓની ૬-૬ કલાકની ડ્યુટી રાખવામાં આવી છે. સ્મશાનના જે કર્મચારીઓ હોય તે મૃતદેહની નોંધણી કરતા જ હોય છે તેમ છતાં મહાનગર પાલિકાના કર્મચારી અને શિક્ષકોને સ્મશાનમાં ડ્યુટી આપતા વિવાદ ઉભો થયો છે.
સુરતના સ્મશાનમાં કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે અનેક મૃતદેહના અંતિમ સંસ્કાર થઈ રહ્યા છે તેવામાં અહીં ફરજ બજાવતા કર્મચારીઓને સંક્રમણ થાય તેવી ભિતી વધી ગઈ છે. સુરત મહાનગર પાલિકાના કર્મચારી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોને રાઉન્ડ ધ ક્લોક ૨૪ કલાક સ્મશાનની ડ્યુટી કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે, કોરોનાના આ કહેરમાં શિક્ષકો કે મનપાનાં કર્મચારીઓ પણ બાકાત રહ્યા નથી.
ત્યારે આંકડાઓની વિસંગતાને લઈ ઉભા થયેલા વિવાદને લઈ હવે તેઓને આ કામગીરી સોંપાતા રોષ જાેવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં કોરોનાથી વિકટ સ્થિતિ દિવસેને દિવસે બની રહી છે. સુરતની તમામ હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે તંત્ર પાસે મેન પાવરની કમી સામે આવી રહી છે.